Monday, August 18, 2025 11:03 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    Headlines

    news image
    Vadodara

    લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

    August 17, 2025|Bhagesh pawar

    વડોદરા શહેરના સમા-હરણી લિંક રોડ પર આવેલા ચેતક બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાંથી 3 ઓગસ્ટના રોજ અજાણી વ્યક્તિની ડિકમ્પોઝ થયેલ લાશ મળી આવી હતી. આ ઘટનાના 13 દિવસ બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો છે અને મૃતકની ઉંમર 40થી 60 વર્ષ વચ્ચેની છે.


    ગત 3 ઓગસ્ટના રોજ વડોદરા શહેરના ટી.પી. 13 ફાયર સ્ટેશનની ટીમને વિશ્વામિત્રી નદીમાં લાશ તરતી હોવાનો કોલ મળ્યો હતો. જેથી, ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ડિકમ્પોઝ થયેલ લાશની આસપાસ ત્રણથી ચાર મોટા મગર ફરતા હતા. જેથી ફાયર બ્રિગેડની ટીમે વાંસ અને લાકડાની મદદથી મગરોને ભગાવ્યા હતા અને લાશને ચાદરમાં લપેટી બહાર કાઢી હતી. લાશની સ્થિતિ અત્યંત ખરાબ હતી, હાથ અને પગ અડધા ખવાઈ ગયેલા હતા. ભારે જેહમત બાદ વિશ્વામિત્રી નદીમાંથી લાશને ડીકમ્પોઝ હાલતમાં બહાર કાઢી હતી.


    ઘટનાની જાણ થતા સમા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમા પોલીસે લાશનો કબજો મેળવીને તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. જોકે તપાસ દરમિયાન મૃતકના વાલી વારસ મળી આવ્યા નહોતા. આ દરમિયાન મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બહાર આવ્યું છે કે, એકથી વધુ ધારદાર તીક્ષ્ણ હથિયાર દ્વારા શરીરના અલગ-અલગ ભાગો ઉપર ગંભીર ઈજાઓ કરીને હત્યા કરવામાં આવી છે.


    કોઈ વાલી વારસ ન આવતા પોલીસે સાથે રહીં દફન વીધી કરી

    મૃતક પુરુષની ઉંમર 40થી 60 વચ્ચેની છે. મૃતક શખસની ઓળખ છતી ન થાય તે હેતુથી તેને વિશ્વામિત્રી નદીના પાણીમાં કોઈ પણ જગ્યાએથી ફેંકી દેવામાં આવ્યો હતો. મૃતકનું કોઈ વાલી વારસ ન આવતા પોલીસે સાથે રહીં તેની દફન વીધી કરી હતી. પોલીસે હવે મૃતકના પરિવારની શોધખોળ શરૂ કરી છે.


    'પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે'- પીઆઈ

    સમા પોલીસ સ્ટેશનના પીઆઇ બી.બી. કોડિયાતરે જણાવ્યું હતું કે, મૃતકની હજી સુધી ઓળખ થઈ નથી પરંતુ, તેની હત્યા થઈ હોવાનો ખુલાસો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. મૃતકની ઓળખ છતી કરવા માટે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર સ્થિત મીસીંગ સેલમાંથી છેલ્લા ત્રણ મહિનાનો ડેટા મંગાવવામાં આવ્યો છે.

    Vadodara
    11:00 PM
    27°
    Overcast
    31°
    Feels
    6
    km/h

    Featured Videos

    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.