રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગઇકાલે વડોદરા જિલ્લા અને ત્યારબાદ મોડી રાતે શહેરના મહેમાન બન્યાં હતા. સ્વાભાવિક છે કે, રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય ત્યારે પ્રોટોકોલ જાળવી રાખવાની જવાબદારી સ્થાનિક પોલીસની હોય છે. વી.વી.આઇ.પી વ્યક્તિ જ્યારે શહેરમાં આવતા હોય ત્યારે તેમના પ્રવાસના રૂટ પર ટ્રાફિકને પ્રોટોકલ પ્રમાણે થોડા સમય માટે થંભાવી દેવાતો હોય છે. જેની જાણ મોટા ભાગના નાગરીકોને છે, આવા સમયે નાગરીકોને ટ્રાફિકમાં ઉભા રહીં થોડી તકલીફનો સામનો કરવો પડતો હોય છે, અને અનેક વખત બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓ સાથે વાહન ચાલકોની માથાકુટ થતી હોય છે. આવીજ એક ઘટના ગતરોજ દુમાડ ચોકડી પાસે હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ગઇકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા જિલ્લાના કોયલી ગામે વિકાસ સંકલ્પ સભા ગજવી હતી. ત્યારબાદ તેમણે સાવલીના મંજૂસર ખાતે સભા સંબોધી હતી. મંજૂસરથી મુખ્યમંત્રી વડોદરાના વોર્ડ નં-7માં પહોંચવાના હતા. જેથી મુખ્યમંત્રીના વી.વી.આઇ.પી બંદોબસ્તમાં તૈનાત પોલીસ કર્મીઓને વોકીટોકી પર મેસેજ આપવામાં આવ્યો કે, “આઇવરી લોન્સથી કારેલીબાગ સુધીનો તમામ બંદોબસ્ત એલર્ટ”.
વાઇરલેસ પર મળેલા આ મેસેજનો અર્થ એ હતો કે, મુખ્યમંત્રી હવે આઇવરી લોન્સથી નિકળી કારેલીબાગ તરફ જવાના છે. જેથી દુમાડ ચોકડી પાસેનો ટ્રાફિક બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મીઓએ રોકી દીધો હતો. તેવામાં એક બાઇક સવાર યુવક પ્રોટોકલ ભંગ કરી પોતાની બાઇક હંકારી હતી, જેથી સમા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઇ તરીકે ફરજ બજાવતા અજીતસિંહએ બાઇક ચાલક કૌશિક પટેલને રોકતા તેણે ગાળો બોલવાની શરૂ કરી અને તોછડાઇ ભર્યું વર્તન કર્યું હતુ. આ જોઇ તેની સાથે ઉભેલી ઇકો કારમાંથી એક મહિલા અને પુરૂષ નિચે ઉતર્યા અને બન્ને પોલીસ કર્મી અજીતસિંહ સાથે ગાળા ગાળી કરી ઝપાઝપી કરી હતી. આ દ્રશ્યો જોઇ બંદોબસ્તમાં હાજર અન્ય પોલીસ કર્મીઓ દોડી આવ્યાં અને ત્રણેયને સમા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતા.
દરમિયાન ઇકો કારમાંથી ઉતરેલી મહિલાએ પોલીસ કર્મીનો ફોટો પાડી તેનું નામ પુછી કહ્યું, તમે કેવી નોકરી કરો છો હું જોઇ લઇશ, અને તમને સસ્પેન્ડ કરાવી દઇશ. આ ઘટના બાદ પોલીસે કૌશિક બીપીનભાઇ પટેલ, પ્રેમલ કૌશકભાઇ પટેલ અને ફાલ્ગુનીબેન કૌશિકભાઇ પટેલ ત્રણે રહે. ગણેશપુરા, વાઘોડીયા, સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.