Updated : April 17, 2026 09:41 pm IST
Bhagesh Pawarવડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે તમામ પ્રતિપ્રેષક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓની ગહન સમીક્ષા કરી હતી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને મતદાન મથકોને પૂરી પાડવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. ખાસ કરીને એક જ સ્થળે વધુ મતદાન મથકો હોય ત્યાં મતદારોની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવાનું નિયત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કલેક્ટરે ચૂંટણી પ્રક્રીયા સાથે જોડાયેલા પીઠાસીન અધિકારી, પ્રથમ અને દ્વિતીય મતદાન અધિકારી સહિતના તમામ કર્મચારીઓ માટે રાતવાસા, ભોજન સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માટે પ્રતિપ્રેષક અધિકારીઓને સૂચના આપી હતી.
આ ઉપરાંત પોલિંગ સ્ટેશન ખાતે મતદાન કરવા માટે આવતા નાગરિકોને કોઇ અગવડતા ના પડે એ પ્રકારે વ્યવસ્થા કરવાનું જણાવાયું છે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીનો છે. ઉનાળાની સ્થિતિને ધ્યાને રાખી, છાંયડો, શૌચાલય, પીવાના પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત ડિસ્પેચિંગ, રિસિવિંગ સેન્ટર, સ્ટ્રોંગ રૂમ, પોલીસ બંદોબસ્ત સહિતની બાબતોની આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ચૂંટણી પ્રક્રીયા માટે સ્ટાફની ફાળવણી, અનામત સ્ટાફ, ઇવીએમ સહિતની બાબતોની તલસ્પર્શી સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર બી. એસ. પટેલ, આસિસ્ટન્ટ કલેક્ટર એશ્વર્યા દૂબે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુહાની કેલૈયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપે ઇન્સ્ટાગ્રામ સ્ટાર અંકિતા પરમારને ફરી મેદાનમાં ઉતારી, ટિકિટ મળતા ચોંકી ઉઠ્યા દાવેદાર.