Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

    વિકસિત ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી લેવા હાકલ કરી હતી.

    Updated : July 27, 2025 05:35 pm IST

    Jitendrasingh rajput
    જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

    વડોદરા ખાતે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ આજે યોજાયો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.આ કાર્યક્રમને સંબોધિત કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે ભારત તેના માળખાગત સુવિધાઓ અને લોજીસ્ટિક્સ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોઈ રહ્યું છે, જે દેશના આર્થિક વિકાસ માટે મજબૂત પાયો નાખે છે.વધુમાં લોજિસ્ટિક્સ ક્ષેત્રને 21મી સદીના ભારત માટે ગેમ ચેન્જર ગણાવતા મંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રમાં યુવાનો માટે પુષ્કળ તકો છે અને તે વિકસિત ભારતના નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવશે. વિકસિત ભારતનાં નિર્માણમાં યુવાઓને જવાબદારી લેવા હાકલ કરી હતી.



    તેમણે લોજિસ્ટિક્સનાં મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું હતું કે જેટલી મજબૂત લોજિસ્ટીક સેવાઓ, તેટલી જ મજબૂત આપણી સીમાઓ રહે છે. દેશના કોઈ એક ભાગમાં તૈયાર થતાં સંરક્ષણ ઉત્પાદનો કે સૈનિકો માટેની ખાદ્ય સામગ્રી આપણે સમયસર સીમા પર પહોંચાડીએ છીએ, ત્યારે સીમા પ્રહરીઓનું મનોબળ મજબૂત બને છે.સરકારની પહેલો પર પ્રકાશ પાડતા, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા અને મિશન મોડ યોજનાઓના અમલીકરણ જેવી પહેલોથી લોજિસ્ટિક્સ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ડેટા-આધારિત નિર્ણય લેવામાં પ્રોત્સાહન મળ્યું છે.

    દીક્ષાંત સમારોહને સંબોધન કરતા કેન્દ્રીય રેલવે મંત્રી અને ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયનાં ચાન્સેલર અશ્વિની વૈષ્ણવે છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેમાં થયેલા પરિવર્તનકારી ફેરફારો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે માહિતી આપી કે એક વર્ષમાં જ રેલ નેટવર્કમાં 5,300 કિમીનું વિસ્તરણ થયું છે, જ્યારે ટનલ બાંધકામનો વ્યાપ 368 કિમી સુધી પહોંચ્યો છે.ઇતિહાસમાં અઢીસો વર્ષનાં સમયગાળાને બાદ કરતાં ભારત હમેશા વિશ્વનાં ટોચનાં અર્થતંત્રમાં રહ્યું છે. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા આપણે દરેક ક્ષેત્ર કેન્દ્રિત માનવ સંસાધનનાં નિર્માણ થકી ભારતને ફરી એકવાર ટોચનું અર્થતંત્ર બનાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા 40 જેટલા વિવિધ ઔધોગિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ભવિષ્યમાં મરીન એન્જિનિયરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ઈન્ડસ્ટ્રીઝ સાથે સમજૂતી કરવાનું સૂચન પણ તેમણે આપ્યું હતું.

    અશ્વિની વૈષ્ણવે સ્નાતક વિદ્યાર્થીઓને ભારતની વિકાસ યાત્રામાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા અને આ ક્ષેત્રમાં નવીનતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયને "વિકાસના એન્જિન" તરીકે ગણાવી હતી અને વિદ્યાર્થિઓને 2047 સુધીમાં વિકસિત ભારતના વિઝનને ટેકો આપવાનો આગ્રહ કર્યો હતો.દિક્ષાંત સમારોહમાં કુલ 194 વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં ડિગ્રી પ્રાપ્ત થઈ છે. દરેક કોર્ષમાંથી એક વિદ્યાર્થીને શૈક્ષણિક શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ અને શ્રેષ્ઠ વિદ્યાર્થી પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા.જીએસવીનાં વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ મનોજ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંસ્થાની છેલ્લા ત્રણ વર્ષની કામગીરી અંગેની માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં વડોદરાનાં સાંસદ ડૉ હેમાંગ જોશી, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, ભારતીય સેના અને રેલવેનાં ઉચ્ચ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતા.વડોદરા પહોંચીને રેલવે મંત્રીએ એરપોર્ટ ખાતે સમીક્ષા બેઠક યોજી હતી અને ગુજરાતના વિવિધ રેલવે પ્રોજેક્ટસની કામગીરી અંગે માહિતી મેળવી હતી.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    જેટલી મજબૂત લોજિસ્ટીક, તેટલી જ મજબૂત સીમાઓ : સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ | Yug Abhiyaan Times