Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

    માતર ટોલ પ્લાઝા પર વાહનચાલકોમાં આક્રોશ, વધારાની વસૂલી અને ભ્રષ્ટાચારના ટોલ બુથ પર આક્ષેપો...

    Updated : September 14, 2025 01:15 pm IST

    Bhagesh pawar
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ટોલ વસૂલીનું કૌભાંડ?

    વિરલ ગોહિલ, ભરૂચ,


    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે માતર ટોલ પ્લાઝા પર ભારે ગડબડી અને વધારાની ટોલ વસૂલીના આક્ષેપો સામે આવ્યા છે. વાહનચાલકો અને ટ્રક ડ્રાઇવરો ના જણાવાયા મુજબ ગાડી ટોલમાંથી પસાર ન થઈ હોવા છતાં ખાતામાંથી રૂપિયા કપાઈ જાય છે. ઉપરાંત, જે દરસર ટોલ નક્કી છે, તેના કરતાં વધુ રૂપિયા વસૂલ કરવામાં આવે છે. વાહનચાલકોના જણાવ્યા મુજબ, જ્યારે ફાસ્ટેગ ન હોય ત્યારે ડબલ ટોલ વસૂલ થાય છે. ઘણીવાર તો વધુ પૈસા કાપ્યા બાદ રિફંડ માટે વાહનચાલકોએ કલાકો સુધી ટોલનાકા પર ધસારો કરવો પડે છે, પરંતુ બહુમતી રાહદારીઓ દૂરથી આવતા હોવાથી નાના રકમ (₹80-₹90) માટે પાછા આવતાં નથી. આ પૈસા ક્યાં જાય છે એ મોટો સવાલ ઉભો થયો છે.

    ફરિયાદ બુક ઉપલબ્ધ નથી
    વાહનચાલકોના આક્ષેપ છે કે ટોલનાકા પર કોઈ કમ્પ્લેન બુક ઉપલબ્ધ નથી. ઓનલાઈન ફરિયાદ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારના ઘણા રાહદારીઓને ઓનલાઈન પ્રક્રિયા આવડતી નથી. આથી ફરિયાદ નોંધાવવી મુશ્કેલ બની રહી છે.

    માહિતી મુજબ, અગાઉ ટોલનાકાનો કોન્ટ્રાક્ટ પાર્થ ઈન્ડિયા કંપની પાસે હતો. વાહનચાલકો કહે છે કે તે સમયથી જ ગેરરીતિઓ ચાલી રહી હતી. હાલ કોન્ટ્રાક્ટ નવી કંપનીને મળ્યો હોવાની ચર્ચા છે, પરંતુ વાહનચાલકોને સ્પષ્ટતા આપવામાં આવી નથી. આથી લોકો મૂંઝવણમાં મુકાયા છે.

    વાહનચાલકોમાં આક્રોશ
    એક ગાડીના માલિકે આક્ષેપ કર્યો કે તેની ગાડી ઘરે હોવા છતાં ટોલ બુથ પરથી 8-10 વાર ખોટી વસૂલી થઈ છે. આ મુદ્દે અનેક વાહનચાલકો એકઠા થઈને ટોલ મેનેજર પાસે પહોંચ્યા હતા. પરંતુ મેનેજરે જવાબ આપવા બદલે તેમને કલાકો સુધી ઉભા રાખ્યા અને ઉપલા અધિકારીઓનો હવાલો આપ્યો હતો.



    ભ્રષ્ટાચારની તપાસની માંગ
    વાહનચાલકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ સમગ્ર પ્રકરણ ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે. કોઈ જવાબદાર વ્યક્તિ સીધો જવાબ આપતો નથી, રિફંડ માટે મહિના-બે મહિના રાહ જોવડાવવામાં આવે છે. અનેક ફરિયાદો દબાઈ જાય છે. આથી વાહનચાલકો માંગ કરી રહ્યા છે કે તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ટોલ પર થઈ રહેલા શોષણનો અંત આવે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.