Monday, August 18, 2025 9:16 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    કાશી વિશ્વનાથ મંદિર વડોદરાવાસીઓના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે.

    કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત છે.

    Updated : July 27, 2025 03:42 pm IST

    Jitendrasingh rajput
    કાશી વિશ્વનાથ મંદિર વડોદરાવાસીઓના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે.
    વિશ્વામિત્રી નદીના કિનારે વસેલું વડોદરા શહેર, ગાયકવાડી યુગના ભવ્ય વારસાનું સાક્ષી છે. 18મી સદીના મધ્યભાગથી 1947 સુધી અહીં ગાયકવાડ રાજવંશનું શાસન રહ્યું હતું. તેમના સમયમાં શહેર માત્ર શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું નહોતું, પણ આધ્યાત્મિક ઊંચાઈઓ પણ પ્રાપ્ત કરી હતી. સર સયાજીરાવ ગાયકવાડ, જેઓ ગુજરાતના વિકાસની પાયાના શિલ્પી ગણાય છે, તેમના સમયમાં અનેક વિદ્વાનો અને સાધુઓ વડોદરાની ધરતી પર આવી સતત જ્ઞાન અને ભક્તિનો ધ્વજ લહેરાવતા રહ્યા.

    લગભગ 130 વર્ષ પહેલાં.....

    આજથી લગભગ 130 વર્ષ પહેલાં, ચિદાનંદ સરસ્વતી સ્વામી મહારાજ વડોદરા પધાર્યા. તેઓ ભગવતધર્મથી પ્રેરિત થઈને એક ભવ્ય શિવમંદિર સ્થાપિત કરવાની ભાવના રાખતા. આ અભિલાષા સાથે તેઓએ સર સયાજીરાવ ગાયકવાડના દરબારમાં પણ ઉપસ્થિતિ નોંધાવી. તે સમયે જ્યાં આજે કાશી વિશ્વનાથ મંદિર આવેલું છે, તે જગ્યા એક ખાલી મેદાન હતું. સ્વામીજીએ ત્યાં સૌપ્રથમ ભગવાન ગણપતિનું મંદિર બાંધ્યું હતું કારણ કે ભારતના સંસ્કારમાં દરેક શુભ કાર્ય પહેલા વિઘ્નહર્તાનું સ્મરણ અનિવાર્ય ગણાય છે.


    પછી, તેઓ નર્મદા નદીની યાત્રાએ નીકળી પડ્યા. ત્યાં તેમને એક અજોડ શિવલિંગ પ્રાપ્ત થયું, એ જ શિવલિંગ વડોદરાની ધરતી પર લાવીને તેમણે મંદિરમાં સ્થાપન કર્યું અને ગણેશ મંદિરની નજીક એક શિવમંદિરની સ્થાપના કરી જે આજે “કાશી વિશ્વનાથ મંદિર” તરીકે જાણીતું છે.મંદિરનું બાંધકામ લગભગ 130 વર્ષ પહેલાં થયું હતું. પણ તેનું પુનર્નિર્માણ 1989માં આરંભી, 2000 સુધી પૂર્ણ કરવામાં આવ્યું. આજે અહીં માત્ર કાશી વિશ્વનાથ મંદિર નથી, પણ પૂરા મંદિર સંકુલમાં ગણેશ મંદિર, સોમનાથ મંદિર, હનુમાન મંદિર અને ચિદાનંદ સ્વામીજીની સમાધિ પણ સ્થિત છે. આગળ ચાલીને અહીં ગૌશાળાનું પણ નિર્માણ થયું, જ્યાં આરંભે 2-3 ગાયો હતી, આજે તે સંખ્યા 20 થી વધુ છે.


    કાશી વિશ્વનાથ મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષક નકશીકામથી શોભિત છે. અંદર પ્રવેશતા જ કાળા પથ્થરમાં ઊંડા શિલ્પમાં ઊતારેલી નંદી અને કાચબાની પ્રતિમાઓ ધ્યાન ખેંચે છે. બંને બાજુએ ચિદાનંદ સ્વામી અને વલ્લભરાવ સ્વામીજીની મૂર્તિઓ સ્થાપિત છે. મંદિરના દરેક સ્તંભ, દિવાલો પર દેવદેવીઓના અદ્વિતીય શિલ્પો જોવા મળે છે, જે ભક્તિ સાથે કળાનો સમન્વય છે.શ્રાવણ માસના દરેક શનિવાર અને સોમવારને પાવન અવસરે અહીં ભક્તોનો ઘસારો રહે છે. ભક્તિ, ભજન, આરતી અને શિવપથનાં મંત્રોથી આખું વાતાવરણ શિવમય બની જાય છે. મહાશિવરાત્રીના દિવસે અહીં વિશાળ મેળો ભરાય છે, જેમાં સહસ્રો ભક્તો દક્ષિણ ગુજરાતથી લઈને અન્ય રાજ્યોમાંથી પણ અહીં દર્શનાર્થે આવે છે.
    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    કાશી વિશ્વનાથ મંદિર વડોદરાવાસીઓના ભક્તિભાવથી ઝળહળી રહ્યું છે. | Yug Abhiyaan Times