Monday, August 18, 2025 9:05 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    રિસર્ચ પ્રોજેક્ટના ભાગ રૂપે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મની ડિઝાઇન તૈયાર કરી

    યુનિસેક્સ યુનિફોર્મ ડિઝાઇન કરવામાં છ મહિના લાગ્યા

    Updated : August 12, 2025 04:23 pm IST

    Jitendrasingh rajput
    રિસર્ચ પ્રોજેક્ટના ભાગ રૂપે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મની ડિઝાઇન તૈયાર કરી

    જરોદની ફેશન ડિઝાઇનિંગની 21 વર્ષની વિદ્યાર્થીની ખુશી પઠાણે પોતાના રિસર્ચ પ્રોજેક્ટના ભાગ રૂપે સોલર પાવર્ડ આર્મી યુનિફોર્મની ડિઝાઇન તૈયાર કરી છે. આ ડિઝાઇનનો મુખ્ય હેતુ સરહદ પર કે અગમ્ય સ્થળોએ પેટ્રોલિંગ કરતા જવાનોને સંચાર માટે પાવરનો સ્રોત પૂરો પાડવાનો છે.

    આ રિસર્ચ પ્રોજેક્ટ માટે ખુશીએ સૈનિકોની મુલાકાત લઈને તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો વિશે જાણકારી મેળવી હતી. જેમાં સંદેશાવ્યવહાર (communication)ની સમસ્યાને એક મુખ્ય મુદ્દો હતો. આ વિચાર પર તેને ફેબ્રુઆરીમાં કામ શરૂ કર્યું અને લગભગ છ મહિનામાં ડિઝાઇન પૂર્ણ કરી છે. આ ડિઝાઇન તૈયાર કરતા પહેલા તેમણે 10-12 સામાન્ય લોકો અને 4-5 સેવારત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી.


    ખુશીએ જણાવ્યું કે, "આપણે આપણા સૈનિકોને પડકારજનક અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરહદોનું રક્ષણ કરતા જોઈએ છીએ. ક્યારેક દૂરના સ્થળોએ તેમને બેટરી ડ્રેઈન થવાની સમસ્યાનો સામનો કરવો પડે છે, અને તેઓ સંપૂર્ણપણે તેમના યુનિટના સપોર્ટ પર આધાર રાખે છે. સંચાર એ સૌથી અગત્યની બાબત છે, અને ઊર્જાના થોડા સ્ત્રોત તેમને તેમના કમાન્ડિંગ ઓફિસર અને યુનિટ સાથે વાતચીત કરવાનો વિકલ્પ આપી શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને, મેં સોલર પાવર્ડ યુનિફોર્મ ડિઝાઇન કરવાનું વિચાર્યું, જેમાં સોલર રિચાર્જેબલ નાના પેનલ સ્ટોર કરવા માટે નાના ખિસ્સા હોય. નેટ જેવા આ ખિસ્સા જવાનોના હલનચલન દરમિયાન બેટરી રિચાર્જ કરવામાં મદદ કરે છે. વાયર માટે પણ અમે ખાસ જગ્યા બનાવી છે. આનાથી સૈનિકો પાસે હંમેશા એક વધારાનો, ટકાઉ ઊર્જા સ્ત્રોત ઉપલબ્ધ રહે છે. મારો ઉદ્દેશ્ય સૈનિકોને પર્યાવરણને અનુકૂળ પાવર સ્ત્રોત પૂરો પાડવાનો છે, જેથી તેઓ હંમેશા તેમના યુનિટ સાથે જોડાયેલા રહી શકે." ખુશીએ વધુમાં કહ્યું, "આ એક યુનિસેક્સ યુનિફોર્મ છે, અને આર્મી યુનિફોર્મ સીવતા એક ટેલર પાસેથી માર્ગદર્શન લઈને તેને ડિઝાઇન કરવામાં મને છ મહિના લાગ્યા.

    સૈનિકો માટે પહેરવા યોગ્ય યુનિફોર્મ તૈયાર કરતા પહેલા ત્રણ ટ્રાયલ કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં આ મારા માટે એક પ્રોજેક્ટ હતો, પરંતુ જેમ જેમ મેં તેના પર કામ કર્યું, તેમ તેમ હું તેની સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગઈ. હું સૈનિકોને મદદ કરવા અને તેમને મારા યુનિફોર્મ આપવા ઈચ્છું છું." આમ, ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રમાં પોતાની કારકિર્દીમાં પગરણ માંડી રહેલી ખુશીનું ફેશન જગત સાથે દેશના વીર જવાનોની સમસ્યાના સમાધાન માટે કરવામાં આવેલ રિસર્ચ કાર્ય પ્રશંસાને પાત્ર છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.