Monday, August 18, 2025 9:13 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    રક્ષિત ચૌરસીયાનાં ભાઈએ કારમાં સ્ટંટ કર્યા : પોલીસે ગાડી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

    Updated : July 09, 2025 07:32 pm IST

    Bhagesh pawar
    રક્ષિત ચૌરસીયાનાં ભાઈએ કારમાં સ્ટંટ કર્યા : પોલીસે ગાડી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી

    વડોદરા શહેરના કારેલીબાગ આમ્રપાલી પાસે હોળીની મોડી રાત્રે નશાની હાલતમાં અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસીયાનાં પિતરાઇ ભાઇ કૈરવ ચોરસીયાની ગાડીના ડ્રાઇવિંગ સીટ ઉપર ઉભા થઈને સ્ટંટ કરવાના ગુનામાં મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાર કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


    મકરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિવેક પટેલે યુગ અભિયાન ટાઈમ સાથે ટેલિફોનિક વાત કરતા જણાવ્યું હતું કે શહેરના માર્ગો ઉપર બેફામ વહનો ચલાવી સ્ટંટ કરતાં વાહન ચાલકો સામે નજર રાખવા માટે સોશિયલ મીડિયામાં સતત વોચ રાખવામાં આવે છે. પરિણામ સ્વરૂપ થાર કારના ડ્રાઇવિંગ સીટ ઉપર ઉભા રહીને સ્ટંટ કરી રહેલો એક વિડીયો ઈન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો હતો. જે થાર કારના નંબરના આધારે તપાસ કરી હતી અને સ્ટંટ કરનાર યુવાનની સામે કાર્યવાહી હાથ ધરી છે.


    વધુમાં તેમણે જણાવ્યું હતું કે થાર ગાડીનો ચાલક તરસાલી મોતીનગરનો રહેવાસી કૈરવ બ્રિજેશભાઇ ચૌરસીયા (ઉ.વ. 22) હોવાનું બહાર આવ્યું છે. તેની વધુ તપાસ કરતા કૈરવ ચૌરસીયા થોડા સમય પહેલાં કારેલીબાગમાં અકસ્માત કરનાર રક્ષિત ચૌરસીયાનો પિતરાઈ ભાઇ હોવાનું જાણવા મળ્યું છે. કૈરવ હાલ અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા બ્રિજેશભાઇ ચોરસીયા દુબઇમાં હોવાનું તપાસમાં ખુલ્યું છે.


    મકરપુરા પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વિવેક પટેલે જણાવ્યું હતું કે વાહન ચાલકોને જોખમમાં મૂકે તે રીતના તે પોતાની ગાડીનાં ડ્રાઇવિંગ સીટ ઉપર ઉભો રહીને સ્ટંટ કરતો હતો. પોલીસે તેને મેમો આપ્યો હતો. અને મેમો બતાવી પોલીસ કાર્યવાહીનો કોઇ ડર ન હોય તે રીતે મેમો બતાવી વિડીયો પોતાના ઇન્સ્ટા પેજ ઉપર મૂક્યો હતો. પોલીસે તેને અને તેના પરિવારને બોલાવી કાયદાનું ભાન કરાવ્યું છે. પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને કાર્યવાહી કરી છે. અને તેની ગાડી પણ કબજે કરી છે, અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


    ઉલ્લેખનીય છે કે, ગત હોળીના તહેવારની મોડી રાત્રે કારેલીબાગ આમ્રપાલી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં અકસ્માત સર્જનાર રક્ષિત ચૌરસીયા અકસ્માતના ગુનામાં હાલ જેલમાં છે. આ ઘટનાએ તે સમયે ભારે ચકચાર મચાવી હતી. રક્ષીત ચૌરસીયા જેલમાં હોવા છતાં પણ તેનો 22 વર્ષીય પિતરાઇ ભાઇ કૈરવ ચૌરસીયા લોકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ગાડીમાં ઉભો રહીને સ્ટંટ કરતો હતો. તેનો ભાઇ રક્ષિત જેલમાં હોવા છતાં કૈરવ ચૌરસીયાને કોઇ અસર થઇ નથી. તે તેની મસ્તીમાં જ જિંદગી જીવી રહ્યો છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    રક્ષિત ચૌરસીયાનાં ભાઈએ કારમાં સ્ટંટ કર્યા : પોલીસે ગાડી જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી | Yug Abhiyaan Times