Updated : March 24, 2026 06:06 pm IST
Bhagesh Pawarદરેક વ્યક્તિને જીવનમાં કંઈક અલગ પ્રકારનો શોખ હોય છે. કોઈને એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, કોઈને ફેશન ડિઝાઈનનો, કોઈને રસોઈનો તો કોઈને પ્રવાસ કરવાનો. પરંતુ વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતી અને નિવૃત્ત સૈનિકની પુત્રી બીના ખીમાણીનો શોખ થોડો અલગ છે. તેઓએ ૨૬ વર્ષ પહેલાં થયેલા કારગિલ યુદ્ધ સાથે જોડાયેલી તસવીરો અને માહિતીનો સંગ્રહ કરીને એક અનોખી સ્ક્રેપબુક તૈયાર કરી છે, જેને તેઓ આજે પણ પોતાની અનમોલ સંપત્તિની જેમ જાળવી રહ્યા છે.
બીના ખીમાણી નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી હોવાથી બાળપણથી જ દેશસેવાના સંસ્કાર તેમના મનમાં હતા. તેઓ પોતે પણ સેનામાં જોડાઈ દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ તે સમયે પરિસ્થિતિઓને કારણે તેમની આ ઇચ્છા અધૂરી રહી ગઈ. છતાં પણ દેશપ્રેમ અને સૈનિકો પ્રત્યેના સન્માનને તેમણે અલગ રીતે જીવંત રાખવાનો પ્રયત્ન કર્યો.

કારગિલ યુદ્ધ દરમિયાન એમના ઘરે અખબાર આવતુ હતુ. એમના અભ્યાસ સાથે આ પેપર વાંચીને તેમાંથી કારગિલ યુદ્ધ સંબંધિત તસવીરો, સૈનિકોની બહાદુરીની વાર્તાઓ અને લશ્કરી કાર્યવાહી અંગેની માહિતી એકત્રિત કરી પેપરના કટીંગ કરી બુક તૈયાર કરવાની શરૂઆત કરી. આ રીતે તેમણે કારગિલ યુદ્ધના અનેક મહત્વપૂર્ણ ફોટોગ્રાફ્સ અને માહિતી સાથે એક વિશેષ સ્ક્રેપબુક તૈયાર કરી.
બીના ખીમાણીએ વડોદરાની ઇએમઇ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કારગિલ યુદ્ધના શૂરવીર કેપ્ટન હમીર સિંહ રાઠોડ સાથે મુલાકાત કરવાની ઇચ્છા પણ હતી, પરંતુ તે પૂર્ણ થઈ શકી નથી. ૨૬ જુલાઈ ૧૯૯૯ના રોજ સમાપ્ત થયેલા કારગિલ યુદ્ધને હવે ૨૬ વર્ષ પૂર્ણ થયા છે. આ યુદ્ધ લગભગ ૬૦ દિવસ સુધી ચાલ્યું હતું અને ભારતીય સેનાએ અદમ્ય શૌર્ય અને બહાદુરી બતાવી પાકિસ્તાન દ્વારા કબજે કરાયેલા ઊંચાઈવાળા વિસ્તારો અને ચોકીઓ પર ફરી કબજો મેળવ્યો હતો. ભારતીય સેનાના ઇતિહાસમાં આ યુદ્ધ સૌથી કઠિન યુદ્ધોમાંનું એક માનવામાં આવે છે.

કારગિલ યુદ્ધ દરમિયાન દેશભરમાં દેશભક્તિ અને ઉત્સાહનો અનોખો માહોલ હતો. દેશના યુવાનો સેનામાં જોડાઈ દેશની સેવા કરવા ઉત્સુક હતા. આજે ૨૬ વર્ષ બાદ પણ કારગિલ યુદ્ધની યાદો દરેક દેશવાસીઓના દિલમાં જીવંત છે. તેમણે જણાવ્યું કે કારગિલ યુદ્ધમાં શૂરવીર સૈનિકોએ દર્શાવેલી બહાદુરી અને બલિદાન દેશ માટે સદાય પ્રેરણારૂપ રહેશે. તેમની તૈયાર કરેલી આ સ્ક્રેપબુક માત્ર ફોટોગ્રાફ્સનો સંગ્રહ નથી, પરંતુ તે દેશપ્રેમ અને સૈનિકોના શૌર્યને સમર્પિત એક મારી અનમોલ યાદગાર ભેટ છે.
ગુજરાતમાં ભાજપ સામે એકસાથે આવ્યા 'શ્રીવાસ્તવ બંધુ', શું કમાલ કરી શકશે ચંદ્રકાંત-મધુભાઈની જોડી?