Monday, August 18, 2025 9:13 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    નબળું નેતૃત્વ કે તંત્રની નિષ્ફળતા? ભરૂચ નુ ફરી અપમાન.¿

    વંદે ભારત એક્સપ્રેસને ભરૂચમાં સ્ટોપેજ ન મળતા રોષ

    Updated : August 09, 2025 08:47 pm IST

    Sushil pardeshi
    નબળું નેતૃત્વ કે તંત્રની નિષ્ફળતા? ભરૂચ નુ ફરી અપમાન.¿

    વિરલ ગોહિલ, ભરૂચ


    ભરૂચ જિલ્લો ગુજરાતનો ઔદ્યોગિક હબ, સૌથી વધુ રેવન્યુ આપનારો વિસ્તાર, દેશના વિકાસમાં મહત્વનો હિસ્સો આપનાર જિલ્લો. છતાંય, જ્યારે પ્રગતિના નામે સરકાર વંદે ભારત એક્સપ્રેસ જેવી આધુનિક ટ્રેનની સુવિધા વહેંચી રહી છે, ત્યારે ભરૂચના નાગરિકોને એ હકથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.

    નવસારી, વાપી, વલસાડ જેવા જિલ્લાઓમાં વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ જાહેર થાય છે, પરંતુ ભરૂચ જે ઔદ્યોગિક શહેર હોવા છતાં, મુખ્ય રેલવે લાઇન પર હોવા છતાં ત્યાં આ ટ્રેન અટકતી નથી. આ સ્થિતિ માત્ર પરિવહન વ્યવસ્થાની ખામી નથી, પરંતુ ભરૂચના નેતાઓની અસમર્થતા, તંત્રની ઉદાસીનતા અને જિલ્લા માટે અવાજ ન ઉઠાવવામાં આવેલી નબળી રાજકીય ઇચ્છાશક્તિનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.

    ભરૂચ રેવન્યુમાં ટોપ, સુવિધામાં ફ્લોપ.!


    ભરૂચ જિલ્લાના દહેજ, અંકલેશ્વર, પનોલી, જંબુસર, વાગરા વિલાયત,જેવા વિસ્તારો દેશની અર્થવ્યવસ્થા માટે કરોડોનું રેવન્યુ સર્જે છે. હજારો ઉદ્યોગો અહીં કાર્યરત છે. ભરૂચ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના સૌથી વ્યસ્ત સ્ટેશનોમાંનું એક છે, જ્યાં દરરોજ લાખો મુસાફરોની અવરજવર થાય છે. તેમ છતાં, વંદે ભારત જેવી સુવિધાસભર ટ્રેન માટે ભરૂચને સ્ટોપેજ આપવામાં સરકાર શા માટે ટાળે છે, તે એક મોટો સવાલ છે.

    નેતાઓ ફક્ત પત્ર અને પોસ્ટના માહિર?

    ભરૂચના નેતાઓની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભા થાય છે. અનેક વખત જોવા મળ્યું છે કે રાજ્ય કે કેન્દ્ર સરકારમાં પ્રોજેક્ટ્સ માટે માત્ર પત્ર લખીને અથવા સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને જ "અવાજ" ઊઠાવવામાં આવે છે. પરંતુ હકીકતમાં તે અવાજ તંત્રના દરવાજા સુધી પહોંચતો જ નથી. નવસારીમાં સ્ટોપેજ માટે દબાણ થાય અને જાહેરાત પણ થાય, પરંતુ ભરૂચ માટે માત્ર વચનો જ મળે છે.


    અવગણનાનું રાજકારણ

    કેન્દ્ર અને રાજ્યના નેતાઓ, બંને તરફથી ભરૂચનો અવાજ સાંભળવાની ઈચ્છા ન હોવાનો આભાસ થાય છે. શું ભરૂચના વિકાસના મુદ્દા ચૂંટણીના સમયમાં જ યાદ આવે છે? ભરૂચના નાગરિકોને તે સુવિધા કેમ મળતી નથી, જે અન્ય જિલ્લાઓને આપવામાં આવી રહી છે?


    ભરૂચના નાગરિકોનો પ્રશ્ન – ‘અમારું દોષ શું?’


    ભરૂચના નાગરિકો માટે આ માત્ર એક સ્ટોપેજનો મુદ્દો નથી, પણ આત્મસન્માન અને સમાન હકનો પ્રશ્ન છે. હજારો ઉદ્યોગો ધરાવતા અને દેશના નકશા પર ઔદ્યોગિક શક્તિ તરીકે ઓળખાતા શહેરને જો વંદે ભારત જેવી સુવિધાથી વંચિત રાખવામાં આવે, તો તે સીધી અવમાનના ગણાય.

    સરકારને સ્પષ્ટ જવાબ આપવો જોઈએ

    ભરૂચના નાગરિકો જાણવા માગે છે 

    શું ભરૂચમાં પૂરતા મુસાફરો નથી?

    શું ભરૂચ ઔદ્યોગિક અને આર્થિક રીતે મહત્વનું નથી?

    કે પછી નેતૃત્વના અભાવને કારણે આ જિલ્લો વારંવાર અવગણાય છે?

    સરકાર પાસે આ સવાલોના સ્પષ્ટ અને જાહેર જવાબ આવવા જ જોઈએ.

    પરિણામે, ભરૂચનો નાગરિક હવે ફક્ત પત્રો અને પોસ્ટ પર આધાર રાખશે નહીં. વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ ભરૂચને મળવું જોઈએ, અને આ માટે જનઆંદોલન જ એકમાત્ર રસ્તો બની શકે છે.

    ભરૂચ હવે મૌન નહીં રહે આ લડાઈ છે ગૌરવ અને હક માટે!

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.