Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સંસ્કારી નગરીમાં અનોખો પશુ પ્રેમ: શ્રાવણમાં શિવજીને અર્પણ કરાતા દુધના એક ભાગમાંથી રખડતા શ્વાનોની આંતરડી ઠારી

    Updated : August 20, 2025 08:40 pm IST

    Bhagesh pawar
    સંસ્કારી નગરીમાં અનોખો પશુ પ્રેમ: શ્રાવણમાં શિવજીને અર્પણ કરાતા દુધના એક ભાગમાંથી રખડતા શ્વાનોની આંતરડી ઠારી

    સંસ્કારી નગરી વડોદરામાં રખડતા શ્વાન માટે અનોખી રીતે સેવા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. દરમિયાન આજવા રોડ પર આવેલા શિવજીના મંદિરમાં જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા બોર્ડ મારવામાં આવ્યા હતા. સંસ્થાએ શિવભક્તોને અપીલ કરી કે, શિવજીને અર્પણ કરવામાં આવનાર દુધનો એક ભાગ અન્ય પાત્રમાં જમા કરવામાં આવે, તેમાંથી રખડતા શ્વાન માટે ભોજન બનાવીને તેમની આંતરડી ઠારવામાં આવશે. આ પ્રયાસનો શિવભક્તોનો સારો પ્રતિસાદ મળતા સેંકડો રખડતા શ્વાનની આંતરડી ઠારીને પ્રભુ ભક્તિની સાથે પશુ ભક્તિનો હેતુ પણ સિદ્ધ થયો છે. 



    વડોદરામાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના રાખતા લોકો મોટી સંખ્યામાં છે. જેઓ પ્રાણીઓ ભૂખ્યા ના સુઇ જાય તે વાતને લઇને સતત પ્રયત્નશીલ રહે છે. કેટલાય પ્રાણી પ્રેમી લોકો રાત પડ્યે પોતાના જમવાની પરવાહ કર્યા વગર શ્વાન, બિલાડી તથા અન્ય જીવ માટે ભોજનની વ્યવસ્થા સાથે નીકળી પડે છે. હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે શિવજીને પ્રસન્ન કરવા માટે ભક્તો તેમને બિલીપત્ર, ધૂપ, દૂધ, પાણી, મિષ્ઠાન વગેરે અર્પણ કરે છે.



    આ તકને પશુઓની સેવામાં જોડવા માટે યુગ અભિયાન ફાઉન્ડેશન તથા અન્ય જીવદયા માટે કામ કરતી સંસ્થા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આજવા રોડ પર જળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સંસ્થા દ્વારા એક પાત્ર મુકવામાં આવ્યું છે. 


    પાત્ર પર લખ્યું છે કે, શિવજીને અર્પણ કરીને દુધનો એક હિસ્સો તેમાં એકત્ર કરવામાં આવે. જેનાથી ભેગું કરેલુ દૂધ રખડતા શ્વાનની આંતરડી ઠારવા માટે ઉપયોગમાં લેવામાં આવશે. લોકોએ આ પ્રયોગમાં ખુબ સારો સહકાર આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. સેવાભાવી સંસ્થાના કાર્યકરનું કહેવું છે કે, આમ કરીને તેઓ રોજ 5 લીટર જેટલું દૂધ અને સોમવારના દિવસે 15 લીટર જેટલું દૂધ એકત્ર કરતા હતા. તેમાંથી અત્યાર સુધી સેંકડો રખડતા શ્વાનને જમાડીને તેમની આંતરડી ઠારવામાં આવી છે. મંદિરના મેનેજમેન્ટ દ્વારા પણ જીવદયા માટે કામ કરતી સંસ્થાને પુરતો સહકાર આપવામાં આવ્યો હતો.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સંસ્કારી નગરીમાં અનોખો પશુ પ્રેમ: શ્રાવણમાં શિવજીને અર્પણ કરાતા દુધના એક ભાગમાંથી રખડતા શ્વાનોની આંતરડી ઠારી | Yug Abhiyaan Times