Monday, August 18, 2025 9:08 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા થયો વિરોધ

    Updated : July 26, 2025 05:00 pm IST

    Bhagesh pawar
    રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા થયો વિરોધ

    ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, અને રાજકીય પક્ષોએ અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકીય ગરમાવા વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. આણંદ ખાતેના તેમના કાર્યક્રમમાં અચાનક એક ઘટના બની, જેમાં થોડા દિવસ અગાઉ બનેલી વડોદરાના મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા અટકાવવામાં આવતા તંગદિલીનો માહૌલ સર્જાયો હતો.

    આણંદના બંધન પાર્ટી પ્લોટમાં રાહુલ ગાંધી એક કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા હતા. દરમિયાન, ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પીડિત પરિવારોના લગભગ 10 જેટલા લોકો ન્યાયની આશા સાથે ત્યાં પહોંચ્યા હતા. તેમનો મુખ્ય હેતુ રાહુલ ગાંધીને રૂબરૂ મળીને પોતાની વ્યથા રજૂ કરવાનો અને આ મામલો કેન્દ્ર સરકાર સુધી પહોંચે તે માટે તેમનો અવાજ બુલંદ કરવાનો હતો. જોકે, પોલીસે આ પીડિત પરિવારોને રાહુલ ગાંધીને મળતા અટકાવ્યા. પીડિત પરિવારો અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓની પોલીસ સાથે ઉગ્ર રકઝક થઈ હતી. તેમ છતાં, પોલીસે સુરક્ષાના કારણોસર તેમને અંદર પ્રવેશ આપ્યો નહોતો.

    આ મામલે સુરક્ષામાં હાજર પોલીસે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું કે, જે પીડિત પરિવારો રાહુલ ગાંધીને મળવા આવ્યા હતા, તેમની પાસે કાર્યક્રમમાં પ્રવેશ માટેના જરૂરી પ્રવેશ કાર્ડ નહોતા. પોલીસે દલીલ કરી કે સુરક્ષાના પ્રોટોકોલ મુજબ, કાર્ડ વિના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપી શકાય નહીં અને તેઓ ફક્ત તેમની ફરજ બજાવી રહ્યા હતા.

    પોલીસના આ વલણ પર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ ભડકી ઉઠ્યા. ઘટનાસ્થળે હાજર કોંગ્રેસી કાર્યકરોનું સ્પષ્ટપણે કહેવું હતું કે, આવા બનાવો તેમની સાથે વારંવાર બને છે. તેમણે રાજકોટ અગ્નિકાંડ અને મોરબી પુલ દુર્ઘટનાના પીડિતોને પણ નેતાઓને મળવા દેવામાં ન આવ્યા હોવાના દાખલા આપ્યા. કોંગ્રેસનો સીધો આરોપ હતો કે, "આ લોકો હકીકત છૂપાવવા માટે પીડિતોને મળવા નથી દેવા માંગતા." તેમણે વધુમાં જણાવ્યું કે રાહુલ ગાંધી પાસે પોતાની સુરક્ષા વ્યવસ્થા છે, તેથી સુરક્ષાના નામે પોલીસ ફક્ત સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે અને પીડિતોનો આરોપ કેન્દ્ર સરકાર સુધી પહોંચતો અટકાવવા માંગે છે.

    આજથી 17 દિવસ પહેલા, 9 જુલાઈના રોજ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. આ ભયાવહ દુર્ઘટનામાં 7 વાહનો નદીમાં ખાબક્યા હતા, જ્યારે એક ટ્રક બ્રિજ પર લટકી રહી હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 20થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું અને બ્રિજના બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કર્યા હતા.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    રાહુલ ગાંધીના કાર્યક્રમમાં હોબાળોઃ પોલીસે ગંભીરા બ્રિજ પીડિતોને અટકાવતા થયો વિરોધ | Yug Abhiyaan Times