Sunday, October 5, 2025 7:22 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

    તરસાલીમાં સખી મંડળની બહેનોએ 450થી વધુ ગણેશજીની ઓર્ગેનિક પ્રતિમા બનાવી

    Updated : August 28, 2025 03:55 pm IST

    Jitendrasingh rajput
    સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી  પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો

    કેન્દ્ર સરકારની દિનદયાળ અંત્યોદય (એનયુએલએમ) યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત તરસાલી શરદ નગરની પરિશ્રમ સખી મંડળની બહેનોએ સરકારી યોજનાનો લાભ લઈ તેમાં આજીવિકા મેળવી છે. બહેનોએ છાણા, ગાર્ડન વેસ્ટ, શાકભાજી વેસ્ટ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી તૈયાર કરેલી ૨૫૦ થી વધુ મૂર્તિઓને વેચીને કમાણી કરી છે.


    ઉલ્લેખનીય છે કે છેલ્લા ચાર વર્ષમાં આ બહેનોએ અંદાજે ૪૫૦ જેટલી મૂર્તિઓનું વેચાણ કરી સરકારની યોજનાનો સફળ લાભ લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ મહિલાઓને પગભર થવાના હેતુસર એનયુએલએમ યોજના હેઠળ ૧૦ બહેનોનું પરિશ્રમ સખીમંડળ બનાવી તેઓને બચત કરતા શીખવે છે. આ સાથે સરકાર મંડળને રૂ.૧૦,૦૦૦ રિવોલ્વિંગ ફંડ એટલે કે નાણાં પરત નહીં આપવા સાથે યોજના હેઠળ ઉપયોગમાં આપતી હોય છે. જે અંતર્ગત વિવિધ સખી મંડળો પોતાની આજીવિકા પ્રવૃત્તિઓ શરૂ કરતી હોય છે અને પગભર થતી હોય છે.


    તરસાલીના શરદ નગરની પરિશ્રમ સખી મંડળની બહેનો દ્વારા વર્ષ ૨૦૨૨થી સરકારની યોજનાનો લાભ લેવા સાથે ગણેશજીની મૂર્તિઓ બનાવી તેને વિવિધ શહેરો અને અન્ય રાજ્યમાં તે વેચી આવક ઊભી કરી છે. જે એમની એક મોટી સફળતા છે. સખી મંડળની બહેનોએ શાકભાજી, પાંદડામાંથી ખાતર બનાવે છે અને એ ખાતરનો ઉપયોગ કરીને ગણેશજીની વિવિધ આકારની પ્રતિમા બનાવવામાં આવી છે. ગણેશજીની મૂર્તિ ૬ ઇંચથી ૧૨ ઇંચ સુધીની પ્રતિમા તૈયાર કરવામાં આવતી હોય છે. જેની કિંમત રૂપિયા ૬૦૦થી ૧૨૦૦ નક્કી કરવામાં આવી છે. સખી મંડળની બહેનોએ વર્ષ ૨૦૨૨ માં 30, વર્ષ ૨૦૨૩ માં ૬૫, વર્ષ ૨૦૨૪ માં ૧૦૦ અને ચાલુ વર્ષ ૨૦૨૫ માં અંદાજે ૨૫૦ થી વધુ ગણેશજીની મૂર્તિઓ બનાવીને એનું વડોદરા અને વડોદરા શહેર ઉપરાંત અન્ય રાજ્ય સુધી તેનું વેચાણ કરી પગભર થવામાં સફળતા મેળવી છે.


    મંડળના પ્રમુખ કનુબેને જણાવ્યું કે, બહેનોએ પર્યાવરણની સુરક્ષા સાથે રોજગારીની પહેલ અંતર્ગત સરકારની યોજનાને સફળ પણ બનાવી છે અને મૂર્તિના વેચાણ થકી અત્યાર સુધી અંદાજે રૂપિયા ૪૦,૦૦૦ જેટલી આવક મેળવી પોતે પગભર થઈ છે. ગણેશજીની મૂર્તિનું કુંડામાં વિસર્જન કરવા સાથે છોડ ઉગશે તરસાલી શરદ નગર સ્થિત પરિશ્રમ સખી મંડળની બહેનોએ ગણેશજીની જે મૂર્તિ બનાવી છે તે સંપૂર્ણ ઓર્ગેનિક છે અને ગણેશજીની મૂર્તિના હાથમાં જે લાડુ મૂકવામાં આવ્યો છે તેમાં એક બીજ છે. આ પ્રતિમાને તળાવમાં વિસર્જન કરવાની કોઈ જરૂરત નથી. ભક્ત જ્યારે પ્રતિમાને કુંડામાં વિસર્જિત કરે છે તો થોડા સમય બાદ આપોઆપ એ બીજ રોપા અને ત્યારબાદ છોડમાં રૂપાંતરિત થઈ જશે. આમ પર્યાવરણની જાળવણીનો એક સુંદર સંદેશ પણ નાગરિકોને મળવા સાથે પર્યાવરણને થતું મોટું નુકસાન અટકાવી શકાશે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    સખી મંડળની બહેનો દ્વારા ૪૫૦થી વધુ ઓર્ગેનિક ગણેશજીની પ્રતિમા વેચાણ કરી પર્યાવરણની જાળવણીનો સંદેશો આપ્યો | Yug Abhiyaan Times