એસએસજી હોસ્પિટલનો એક એવો વોર્ડ જ્યાં નિરાધાર દર્દીનો પરિવાર બને આરોગ્યકર્મીઓ...
Updated : August 12, 2025 04:10 pm IST
Sushil pardeshi
એસએસજી હોસ્પિટલનો એક એવો વોર્ડ જ્યાં નિરાધાર દર્દીનો પરિવાર બને આરોગ્યકર્મીઓ
એસએસજીમાં નિરાધાર દર્દીઓ માટે રાજ્ય સરકાર દ્વારા અલાયદો કરુણા વોર્ડ બનાવાયો
કરુણા વોર્ડમાં જાન્યુઆરીથી જુલાઇ સુધીના સાત માસમાં ૧૦૭૬ દર્દીઓની થઇ સંવેદનાસભર સારવાર
પ્રથમ કિસ્સો હૃદયને અડી જાય તેવો છે...
વડોદરાની એસએસજી હોસ્પિટલમાં એક મહિલા રોજબરોજ એક દર્દીની તબિયત પૂછવા આવે. વયોવૃદ્ધ દર્દીને આપવા માટે સફરજન લઇ આવે. થોડી વાર બેસે અને વાતો કરે. વોર્ડના સ્ટાફે તેમને પૂછ્યું કે આ દર્દી તમારા શું સગા થાય છે ? તો મહિલાએ કહ્યું આ દાદા મારા પાડોશી છે. પણ રોજબરોજ સારા ફળોને ખબર પૂછવા આવતા હોવાથી વધુ પૃચ્છા કરી તો એ મહિલા રડવા લાગી અને કહ્યું કે દર્દી મારા પિતા છે. મે પરિવારજનોની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે. એટલે એમને મારી સાથે રાખી શકું એમ નથી. ભાઇ પણ નથી !
દ્વિતીય કિસ્સો – આરોગ્યકર્મીઓ, તબીબો આ નિરાધાર નારીના પડખે...
માનસિક અસ્વસ્થ એવી સગર્ભા મહિલા એસએસજી હોસ્પિટલને દાખલ કરવામાં આવી. કોઇ દ્રુષ્ટ વ્યક્તિએ આ મહિલાને જાતીય હુમલાનો શિકાર બનાવી હતી. માનસિક અસ્વસ્થ હોવાથી તેમને માતૃત્વની પણ ખબર નહોતી. આવી સ્થિતિમાં એસએસજી હોસ્પિટલમાં આરોગ્યકર્મીઓ, તબીબો આ નિરાધાર નારીના પડખે ઉભા રહ્યા. બાળકીની પ્રસુતિ કરાવી. ફૂલ જેવી બાળકીને નામ આપ્યું ‘ફૂલમતી’ !
આ બન્ને કિસ્સા બાદ સ્વાભાવિક પ્રશ્ન થયા વિના રહે નહી કે, આ બન્ને દર્દીનું પછી શું થયું ? સર સયાજીરાવ જનરલ હોસ્પિટલે આ બન્ને દર્દીઓને સેવાભાવી સંસ્થામાં મૂક્યા. જ્યાં તેમની પ્રેમ અને સંવેદના સાથે આશરો મળ્યો છે. એસએસજી હોસ્પિટલમાં રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલા કરુણા વોર્ડમાં આવા અનેક કિસ્સાઓ છે, જેને સાંભળીએ તો આંખો અશ્રુઓથી છલકાયા વગર રહે જ નહિ.
સમાજની માનસિક્તામાં બહુ જ પરિવર્તન આવ્યું છે. ઘરમાં રહેલા વડીલો ગમતા નથી તો ઘણી વખત વડીલોને ઘરનું વાતાવરણ ગમતું નથી. માત્ર વડીલો જ નહી પણ બાળકોને પણ ‘પુષ્પદાહ’ થાય છે. આવી સામાજિક – આર્થિક સ્થિતિમાં ગૃહ ત્યાગ કરી દે છે. ગૃહત્યાગ કરી ભ્રમણ કરતા આવા લોકો યેનકેન પ્રકારે પોતાનું પેટ તો ભરી લે છે, પણ જ્યારે શરીરમાં માંદગી આવે ત્યારે મુશ્કેલીમાં મૂકાઇ જાય છે. આવા સમયે આવા દર્દીઓની વ્હારે આવે છે હુંફનો પૂંજ લઇ કરુણા વોર્ડ ! મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના દિશાદર્શનમાં આવા નિરાધાર દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેને નામ આપવામાં આવ્યું છે કરુણા વોર્ડ !
એસએસજી હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરના ત્રીજા માળે કાર્યરત કરુણા વોર્ડનું કામ તેમના નામને સાર્થક કરે છે. અહીં નિરાધારા દર્દીઓની સેવાસુશ્રૂષા માટે ૧૩ પથારી મૂકવામાં આવી છે. કોઇ દર્દી એસએસજીમાં સારવાર કરાવવા માટે આવે ત્યારે તેમના માટે દાખલ થવાની પ્રણાલી સામાન્ય પ્રકારની હોય છે. પણ કરુણા વોર્ડમાં દાખલ થતાં દર્દીઓની પ્રાથમિક પ્રણાલી અલગ છે. આ કરુણા વોર્ડમાં બહુધા ભિક્ષાવૃત્તિ કરતી આવતી હોય છે. એટલે તેમના શારીરિક સ્વચ્છતાને પ્રાથમિક્તા આપવામાં આવે છે. દાખલ થતાં પૂર્વે દર્દીનું શૌરકર્મ કરી વાળ – દાઢી કરાવવામાં આવે છે. બાદ સ્નાન કરાવવામાં આવે છે. આ પ્રક્રીયા કર્યા બાદ દર્દીના દીદાર સુધરે છે. કરુણા વોર્ડના સ્ટાફે સામાજિક સહયોગની એકત્ર કરેલા વસ્ત્રો આપવામાં આવે છે. તેમ મેડિકલ ઓફિસર ડો. નિલુ કહે છે.
તે કહે છે, કરુણા વોર્ડમાં આવતા દર્દીઓને લાગણી અને સંવેદના સાથે સારવાર આપવા ઉપરાંત તેમના સગાસંબંધીઓની પણ શોધખોળ કરવામાં આવે છે. કેટલાક દર્દીઓના સગાઓ મળે છે, તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે. કોઇ દર્દીને ફરી ઘરે લઇ જવા તૈયાર થાય છે તો કોઇ ત્યજીને જતાં રહે છે. આવા સંજોગોમાં આવા નિરાધાર દર્દીનો આશરો પ્રાથમિક રીતે કરુણા વોર્ડ જ બને છે. તેમને ભોજન સાથે તમામ સારવાર આપવામાં આવે છે અને માંદગીમાંથી ઉગારવામાં આવે છે.
પોલીસના અનાપત્તિ પ્રમાણપત્ર મેળવ્યા પછી આ દર્દીઓને સામાજિક સંસ્થામાં મૂકવામાં આવે છે. જ્યાં તેમને આશરા સાથે પારિવારિક વાતાવરણ પણ મળી રહે છે. ડો. નિલુ કહે છે, જાન્યુઆરીથી જુલાઇ સુધીમાં કર્મશઃ ૩૨, ૨૦૨, ૧૩૧, ૧૮૪, ૧૪૧, ૨૫૭, ૧૨૯ મળી આ આઠ માસમાં કુલ ૧૦૭૬ નિરાધારોને સારવાર માટે કરુણા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૧૦૭૬ દર્દીઓની કથા અલગ, નૈપથ્ય અલગ, ભાષા અલગ પણ સર્વસામાન્ય એ દર્દ સાથે કરુણા વોર્ડમાં આવે છે અને પારિવારિક લાગણી પ્રાપ્ત કરીને જાય છે.

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સસરા દ્વારા વિધવા પુત્રવધુ પર દુકાનમાં ઘુસીને હુમલો...

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

અમેરિકામાં BAPS હિન્દુ મંદિરમાં ભારત વિરોધી નારા લગાવીને તોડફોડ, ખાલિસ્તાની તત્વો પર શંકા

'સોનિયા ગાંધીનું નામ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું': ભાજપનો વિસ્ફોટક આરોપ

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

લાશ મળ્યાના 13 દિવસ બાદ હત્યાનો ઘટસ્ફોટ, તીક્ષ્ણ હથિયારથી હત્યા કરાઈ હોવાનો PM રિપોર્ટમાં ખુલાસો

આજીવન સજા ભોગવતા એક મહિલા સહીત સાત કેદીઓને વહેલી જેલ મુક્તિ

સંરક્ષણ કર્મચારીઓ અને નિવૃત્ત સૈનિકો માટે એક વિશેષ કાનૂની સેવા ક્લિનિકનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

વડોદરા કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : દૂધ, ઘી, મરચું અને હળદર પાવડરના નમુના લીધા

વડોદરામાં આતંક મચાવતી "ચૂઈ ગેંગ" ગુજસીટોક ના સકંજામાં...

ગણેશ ઉત્સવ માટે શરૂ કરાયેલી વડોદરાથી રત્નાગિરીની ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા રજુઆત

અંકલેશ્વર સબજેલમાં કાચા કામના કેદીની રહસ્યમય હાલતમાં મોત,
