Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વડોદરાની ચાર વર્ષની દીકરી અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

    અનન્યા ઐયરના ખેલ કૌશલ્ય, દ્રઢતાની નોંધપૂર્વક પ્રશંસા કરી ઉજ્જવળ ભવિષ્યની કામના કરી

    Updated : July 29, 2025 03:32 pm IST

    Jitendrasingh rajput
    વડોદરાની ચાર વર્ષની દીકરી અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ડો. આનંદભાઈ ઐયરની ચાર વર્ષની દીકરી અનન્યાએ બેંગાલુરુ ચેસ ઓપન ટુર્નામેન્ટમાં પોતાની અસાધારણ કુશળતા અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રશંસા કરી શુભેચ્છાઓ પાઠવી છે.


    મુખ્યમંત્રીએ પાઠવેલા શુભેચ્છાપત્રમાં જણાવાયું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શિક્ષણની સાથે સાથે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ, ચેસ મહોત્સવ જેવા આયોજનો કરાવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપે બાળકોની રમત-ગમતમાં રૂચિ અને સજ્જતામાં વૃદ્ધિ થઈ છે. વર્તમાન સરકાર પણ તેમની આ પરંપરાને પ્રતિબદ્ધતા સાથે નિભાવી રહી છે. આ પરિપ્રેક્ષ્યમાં ચાર વર્ષની ઉંમરમાં ચેસ જેવી મનોયત્ન માંગી લેતી રમતમાં રૂચિ હોવી, એ આનંદની વાત છે. ડો. આનંદભાઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરના ચેસ ખેલાડી રહી ચૂક્યા છે, જે વારસાને તેમની દીકરી આગળ વધારી રહી છે, તે ગૌરવની વાત છે. સાડા ત્રણ વર્ષની ઉંમરે દીકરી અનન્યાએ ચેસ રમવાનું શરૂ કર્યું ત્યારથી અત્યાર સુધીમાં બે રાષ્ટ્રીય અને એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લઈ ચૂકી છે, તે સરાહનીય છે.


    માત્ર ત્રણ ફૂટ ઊંચી આ નાની દીકરી પોતાની મેચ દરમિયાન બે ખુરશી પર બેસીને બોર્ડ સુધી પહોંચે છે, પરંતુ તેની દ્રઢતા અને પ્રતિભા તેને ઊંચા સ્થાને મૂકે છે. કોરામંગલા ઈન્ડોર સ્ટેડિયમ, બેંગલુરુ ખાતે ઓપન-૨૦૨૫ ટુર્નામેન્ટમાં ભારત સહિત ૧૧ દેશોમાંથી બે હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અનન્યાની રમતમાં નિપુણતા, નિખાલસ હાસ્ય, ચેસ બોર્ડ પરનો નિર્ભય અભિગમ દરેક નિરીક્ષક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા, તે ગૌરવપ્રદ છે. ચેસ ઉપરાંત અનન્યા ગાવામાં, ચિત્રકળામાં તથા અંગ્રેજી, ગુજરાતી, તમિલ, હિન્દી વગેરે ભાષામાં પણ પ્રતિભાવાન છે. આવી પ્રતિભાવાન દીકરી માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરતી રહે તેવી મુખ્યમંત્રીએ અંતરતમ્ શુભકામનાઓ પાઠવી છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.