Monday, August 18, 2025 9:15 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    મુંબઇના બહુચર્ચીત સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસમાં અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું

    આજવા રોડ ખાતે રહેતો સાજીદ ઇલેક્ટ્રીકવાલા એમ.ડી (મેફાડ્રોન) ડ્રગ્સનો માસ્ટર માઇન્ડ

    Updated : July 27, 2025 04:41 pm IST

    Jitendrasingh rajput
    મુંબઇના બહુચર્ચીત સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસમાં અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું

    મુંબઇના બહુચર્ચીત સાજીદ ઇલેક્ટ્રીકવાલા અપહરણ કેસમાં અંડરવર્લ્ડ કનેક્શન સામે આવ્યું છે. મુંબઇ અંડર વર્લ્ડ ડોન છોટા શકીલના નાના ભાઇ અનવર શેખ આણી મંડળીમાં સામેલ સરવર ખાનની ટોળકીએ રૂ. 50 લાખ માટે સાજીદનું અપહરણ કરી તેને આશરે એક મહિના સુધી જુદી જુદી જગ્યાએ ગોંધી રાખ્યો હતો. જોકે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તપાસ સાંભળતા જ સાજીદને અપહરણ કરતાઓના ચુંગાલમાંથી છોડી એક બાદ એક ટોળકીના સાગરીતોની ધરપકડ કરી હતી. જેમાં વડોદરાના ખોડીયારનગર સ્થિત રહેતા દિપક શર્માની પણ સંડોવાણી ખુલતા મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા 29મી જુલાઇની સુધી રિમાન્ડ મેળવ્યા હતા.


    સુરત-મુંબઇમાં સાજીદની હોટલ અને રૂમ ફીક્સ

    મુંબઇ ક્રાઇમ બ્રાન્ચના આધાભૂત સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શહેરના આજવા રોડ ખાતે રહેતો સાજીદ ઇલેક્ટ્રીકવાલા એમ.ડી (મેફાડ્રોન) ડ્રગ્સનો માસ્ટર માઇન્ડ છે. સાજીદ લાંબા સમયથી એમ.ડીના સપ્લાયર તરીકેની ભૂમિકા ભજવે છે. એમ.ડીનું નેટવર્ક ચલાવવા માટે સાજીદની સુરત અને મુંબઇમાં હોટલ અને રૂમ બન્ને ફીક્સ છે. જેથી આ હોટલના ચોક્કસ રૂમમાંથી જ મેફેડ્રોન ડ્રગ્સનું આખું નેટવર્ક ચલાવતો હતો.


    ગુજરાતી ભાષા બોલવા માટે દિપકને લોનાવલા બોલાવ્યો

    ગત જૂન મહિનામાં મેફોડ્રોન ડ્રગ્સની મોટી ડીલીવરી માટે સાજીદે મુળ ઉત્તર પ્રદેશના અને હાલ મુંબઇમાં છોટા શકીલના ભાઇ અનવર શેખ સાથે કામ કરતા સરવર મકસુદ ખાન પાસેથી રૂ. 50 લાખ ટોકન પેટે લીધા હતા. જોકે સમયસર ડીલીવરી પણ ન કરી અને રૂપિયા પરત કરવામાં પણ ગલ્લા તલ્લા કરતો હતો. જેથી સરવર ખાન આણી મંડળીએ રૂપિયાની વસુલી માટે તેનું અપહરણ કર્યું અને લોનાવલા સ્થિત એક ફાર્મ હાઉસમાં તેને ગોંધી રાખ્યો હતો. સાજીદ મુળ વડોદરાનો હોવાથી તેની સાથે ગુજરાતી ભાષામાં વાત કરવા માટે સરવર ખાને દિપક નંદકિશોર શર્મા (રહે. ખોડીયારનગર, વડોદરા)ને લોનાવલા બોલાવ્યો હતો. જ્યાં પહોંચ્યાં બાદ દિપકને ખ્યાલ આવ્યો કે મામલો ગંભીર છે, ત્યાંથી છટકવા માટે તેણે ખોટી વાત જણાવે કે, મારા ઘરે કેટલાક લોકો ઘુસી ગયા છે, મારે અરજન્ટમાં ઘરે જવું પડશે, આમ કહીં પોતાની સાથે દેશી તમંચો અને જીવતા કારતૂસ લઇ વડોદરા આવી ગયો હતો.


    વડોદરાથી 8 લાખ સરવર ખાન ગેંગને મોકલાયા

    દરમિયાન સાજીદે લીધેલા રૂપિયા પૈકીના 8 લાખ વડોદરાથી લેવાનું સરવર ખાન આણી મંડળીને કહ્યું હતુ. જોકે વડોદરામાં આ ગેંગનો માણસ દિપક શર્મા હોવાથી તેનો સંપર્ક કરવામાં આવ્યો અને આંઠ લાખ ગેંગ પાસે પહોંચાડવામાં આવ્યાં હતા.


    દરવાજુ ખોલતા જ દિપકે કહ્યું, યે મુંબઇ વાલી મેટર હૈં

    દિપક શર્મા એવું માની બેઠો હતો કે, સાજીદ અપહરણ મામલો ઠંડો પડી ચુંક્યો છે. પરંતુ એવું બન્યું નહીં, મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં 10 લોકોની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. જેમાં પુછતાછ દરમિયાન વડોદરાના દિપક શર્માનું નામ ખુલતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા પહોંચી હતી. જ્યાં આખો દિવસ દિપકનું લોકેશન શોધવામાં વિતાવ્યા બાદ મોડી સાંજે તેના ઘરનું સરનામુ મળ્યું હતું. દિપક કયા સમયે ઘરે આવશે તેની જાણકારી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસે હતી. જેથી વહેલી સવારે દિપકના ઘરનો દરવાજો ખખડાવતા તેની પત્નીએ દરવાજો ખોલ્યું હતો અને સામે ઉભેલી મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને જોઇ દિપક સમજી ગયો અને તેને પત્નીને કહ્યું મુજે પતા હૈં મુંબઇ વાલી મેટર હૈ.


    દિપક આગામી 29મી જુલાઇ સુધી રિમાન્ડ પર

    દિપકને ઘરેથી દબોચ્યા બાદ બાપોદ પોલીસ સ્ટેશનમાં જરૂરી તમામ કાનૂની કાર્યવાહી કરી તેને મુંબઇ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તેની વધુ પુછતાછ માટે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. જેથી કોર્ટે આગામી 29મી જુલાઇ સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. આ બહુચર્ચીત અપહરણ કેસમાં વડોદરામાંથી અન્ય શખ્સની પણ સંડોવણી ખુલે તો નવાઇ નહીં.



    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.