Monday, August 18, 2025 9:09 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ : ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન યથાવત...

    Updated : July 12, 2025 04:08 pm IST

    Sushil pardeshi
    ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ :  ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન યથાવત...

    સુશીલ પરદેશી, વડોદરા.


    વડોદરા બ્રિજ દુર્ઘટનાના ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન વહેલી સવારથીજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ દુર્ઘટનામાં અત્યારસુધી ૨૦ વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે હજી એક વ્યક્તિની શોધખોળ શરૂ છે. નરસિંહપૂરા ગામના ૨૨ વર્ષીય યુવક વિક્રમ નામના યુવાનની શોધખોળ જારી છે. આ વ્યક્તિ ખાનગી કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બની છે તે મુજપુર પાસેથી મહી નદીના પ્રવાહની સ્થિતિ એવી છે કે તે બન્ને દિશામાં વહે છે. ભરતીના સમયે પાણીનો પ્રવાહ વહેરા ખાડી તરફ જાય છે અને ઓટના સમયે સમુદ્ર તરફ વહે છે. ત્યારે હવે ઉપરવાસ અને હેઠવાસ, એમ બંને દિશામાં પણ શોધખોળ કરવામાં આવી રહી છે.


    પૂલનો જે ભાગ તૂટીને નદીમાં પડ્યો છે, તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે ૨૦ હોર્સ પાવરનું ડાયમંડ વાયર કટિંગ મંગાવવામાં આવ્યું છે. જેને નાવડીમાં નાખી પૂલ નીચે લઈ જવામાં આવ્યું હતું. આ મશીનને પાવર આપવા જનરેટર લાવવામાં આવ્યું છે. મિસિંગ વ્યક્તિ વિક્રમ સહિત અન્ય કોઈ હતભાગી આ સ્લેબ નીચે દબાયેલું છે કે કેમ? તેની ખાતરી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ મશીન દ્વારા કોંક્રિટ બાંધકામ તોડવામાં પણ કેટલીક મહત્વની વાત સમજી લેવી જોઈએ કે, જેટલું જૂનું બાંધકામ એટલી મહેનત વધે છે. કેમ કે કોંક્રિટ અંદર રહેલા જાડા સળિયામાં લવચકતા આવી ગઈ હોય છે. એટલે કાપવામાં વાર લાગે છે.


    તો બીજી તરફ પાદરા પોલીસ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પાદરા પોલીસ રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી હતી. આ પૂર્વે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પાદરા પોલીસ દ્વારા વિવિધ દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવશે. કોઈ અકસ્માત થયો, અને ટ્રક અંદર પડી અને પડતી વેળા સ્લેબ કે આર્ટીક્યુલેશનને નુકસાન કરતી ગઈ કે કેમ ? લોડેડ ટ્રક અને અન્ય વાહનો એક સ્થળે એકત્ર થવા સહિતની બાબતો પણ તપાસ હેઠળ છે.


    ત્યારે પોલીસ તપાસને મદદરૂપ થવા માટે આજે સવારે એફએસએલની ટીમે ફોરેન્સિક વાન સાથે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. આરટીઓની ટીમે પણ તપાસ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આદેશ રચાયેલી સમિતિ દ્વારા પણ તપાસ તેજ કરવામાં આવી છે. ગેરી સંસ્થાની ટીમ દ્વારા આજે પૂલના નમુના લેવામાં આવ્યા હતા. આ સેમ્પલની લેબોરેટરીમાં તપાસ કરવામાં આવશે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.
    ગંભીરા બ્રિજ દુર્ઘટના અપડેટ : ચોથા દિવસે પણ હતભાગીઓને શોધવા માટે વિવિધ એજન્સીઓ દ્વારા ઓપરેશન યથાવત... | Yug Abhiyaan Times