Monday, August 18, 2025 9:13 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતના મુખમાંથી બહાર આવી, લોહીલુહાણ હાલતમાં પણ બીજાનો જીવ બચાવ્યો

    ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ રાજપૂત બન્યા અદમ્ય સાહસ અને માનવતાનું પ્રતીક

    Updated : July 11, 2025 06:32 pm IST

    Sushil pardeshi
    મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મોતના મુખમાંથી બહાર આવી, લોહીલુહાણ હાલતમાં પણ બીજાનો જીવ બચાવ્યો

    ૪૦ વર્ષીય ગણપતસિંહ રાજપૂત એક સામાન્ય ટ્રક ડ્રાઈવર, જે દહેજથી કંડલા બંદર ટેન્કર ટ્રકમાં સલ્ફયુરિક એસિડ લઈને જઈ રહ્યા હતા. દરમ્યાન મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી એક ગોઝારી ઘટનાએ અણધારી આફત સર્જી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાંય તેઓએ એક વ્યકિતનો જીવ બચાવી તેમણે જે અદમ્ય સાહસ બતાવ્યું છે તે ખરેખર પ્રેરણાદાયક છે.

    ઘટના એટલી ભયાવહ હતી કે બ્રિજ પરથી નદીમાં ખાબક્યા બાદ ગણપતસિંહને લગભગ ૧૫ મિનિટ સુધી ભાન જ નહોતું. શરીરને એકાએક ઠંડક લાગી અને જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમણે જોયું તો તેઓ પોતાના વાહન સહિત અનેક લોકો સાથે નદીમાં પડ્યા હતા. તેમણે એક પગથી લાત મારીને ટ્રકનો કાચ તોડીને ટ્રક અને પાણીમાંથી બહાર નીકળીને પુલના થાંભલા પાસે સુરક્ષિત રીતે પોતાને બચાવ્યા. એક હાથે અને એક પગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ લોહીલુહાણ હતા. પીડા અસહ્ય હતી, શરીર સાથ નહોતું આપી રહ્યું,

    તેવામાં તેમની નજર મહીસાગર નદીના પ્રચંડ વહેણમાં વહી રહેલા નરેન્દ્રસિંહ પરમાર પર પડી. પોતાના જીવની પરવા કર્યા વગર, ગણપતસિંહે ઈજાગ્રસ્ત હાલતમાં પણ અકલ્પનીય હિંમત દાખવીને, નરેન્દ્રસિંહને બચાવવા માટે પ્રયાસ કર્યો. પ્રચંડ વહેણ અને પોતાના શરીરની ગંભીર ઈજાઓ વચ્ચે પણ તેમણે હાર ન માની અને અદમ્ય મનોબળ અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને, તેમણે નરેન્દ્રસિંહને હેમખેમ બચાવી લીધો.

    ગણપતસિંહ રાજપૂત જણાવે છે કે, તેઓ એક ટ્રક ડ્રાઈવર છે. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેડા ગામમાં રહે છું અને ગામ નદી કિનારે હોવાથી ખૂબ સારો તરવૈયા છું. જો તેઓ વધારે ઇજાગ્રસ્ત ન થયા હોત તો પોતાના તરણ કૌશલ્યથી ૭ થી ૮ લોકોને બચાવી શક્યા હોત અને ખુબજ નાના બે બાળકોને બચાવવું તેમની પ્રાથમિકતા હોત. આ ઘટના તેમના માટે જેટલી સાહસ અને વીરતાની હતી તેટલી જ લાચારી ભરેલી પણ હતી. તેઓ જણાવે છે કે, જ્યારે તેમણે નરેન્દ્રભાઈ ને બચાવ્યા તે સમયે ઇજાગ્રસ્ત સોનલબેન પઢિયાર સહિત પોતાનો જીવ બચાવવા માટે વલખાં મારતા લોકો ગણપતસિંહ સામે લાચાર આંખે મદદ મળશે તેવી નજરે જોઈ રહ્યા હતા. પણ ગણપતસિંહ આ લોકોની મદદ ન કરી શકવાની અક્ષમતા તેમના માટે અત્યંત પીડાદાયક બની ગઈ હતી. તેમણે પારાવાર દુઃખ છે કે તેઓ પોતાની નજર સામે નાના બાળકો સહિત લોકોને ડૂબતા જોયા પણ બચાવી ન શક્યા.

    જોકે, કમનસીબે, નરેન્દ્રસિંહ પરમારનું સારવાર દરમિયાન ઘટનાના બે દિવસ પછી નિધન થયું છે. આ સમાચાર ગણપતસિંહ માટે અત્યંત દુઃખદ હતા, કારણ કે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર જે પ્રયાસ કર્યો હતો, તે સફળ ન થઈ શક્યો. જ્યારે પોતાનો જીવ જોખમમાં હોય, શરીર પીડાથી કણસી રહ્યું હોય, અનેક ઇજાઓમાંથી લોહી વહી રહ્યું હોય, ત્યારે પણ અન્યના જીવ બચાવવાનો પ્રયાસ કરવો એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. ગણપતસિંહનું આ કાર્ય તેમની અદમ્ય હિંમત, પરોપકારવૃત્તિ અને મજબૂત મનોબળ દર્શાવે છે. ગણપતસિંહ રાજપૂતની આ સાહસ કથા દર્શાવે છે કે સાચી વીરતા શારીરિક શક્તિમાં નથી, પરંતુ માનસિક દ્રઢતા, કરુણા અને અન્યના ભલા માટે કંઈક કરવાની ભાવનામાં છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.