Monday, August 18, 2025 9:06 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    જય જગન્નાથના ઘોષ સાથે જગન્નાથ પુરીની રથયાત્રાની જેમ ત્રણ રોબોરથ પ્રભુસેવામાં જોડાયા..

    પુરીમાં તૈયાર થતા ત્રણ રથોની પ્રતિકૃતિ સમાન કાષ્ઠના ત્રણ રથોનું નિર્માણ કરવામાં આવ્યું..

    Updated : June 27, 2025 05:49 pm IST

    Bhagesh Pawar
    જય જગન્નાથના ઘોષ સાથે જગન્નાથ પુરીની રથયાત્રાની જેમ ત્રણ રોબોરથ પ્રભુસેવામાં જોડાયા..

    અષાઢી બીજના પાવન પર્વે સંસ્કારી નગરી વડોદરા એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બન્યું હતું. માનવ સભ્યતાના ઈતિહાસમાં પહેલીવાર વડોદરામાં દિવ્ય અને ભવ્ય એવા ત્રણ કાષ્ઠના રથો પર બિરાજમાન થઈ ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલભદ્રજી, શ્રી સુભદ્રાજી તથા શ્રી સુદર્શનજીની ‘રોબો રથયાત્રા’ પ્રસ્થાન કરાવાઈ. વિશ્વ શાંતિ, વિશ્વ કલ્યાણના અને વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવા હેતુથી શહેરના નિઝામપુરા ખાતે આવેલા પાસપોર્ટ ઓફિસ રોડ પર કૃષ્ણભક્ત જય મકવાણા અને એમના પરિવારજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.


    કૃષ્ણભક્ત જય મકવાણા એ માહિતી આપી કે, ગત 11 વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અને ટેકનોલોજીનો, સાયન્સ અને સંસ્કારનો સમન્વય કરી 12મી રોબો રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે દસે દિશાઓમાંથી ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા સંભળાય રહ્યાં છે, જ્યારે કળિયુગના પ્રભાવે ભ્રષ્ટ થયેલી માનવતાના પરિણામે વિજ્ઞાન અને ટેકનોલોજીનો દુરુપયોગ સતત વધી રહ્યો છે એવા સમયે ઈશ્વરને સાક્ષી રાખી ટેક્નોલોજીનો સદુપયોગ થાય એવા મૂળ ઉદ્દેશથી રોબ રથયાત્રાનું આયોજન ગત 11 વર્ષથી કરવામાં આવી રહ્યું છે.


    જે અંતર્ગત આ વર્ષથી જગન્નાથ પુરીની રથયાત્રાની જેમ કુલ ત્રણ રોબોરથ પ્રભુસેવામાં જોડાયા હતા. આ માટે પુરીમાં તૈયાર થતા ત્રણ રથોની પ્રતિકૃતિ સમાન કાષ્ઠના ત્રણ રથોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં સૌ પ્રથમ લીલા અને લાલ રંગના શિખર વાળો શ્રી ભલભદ્રજીનો ‘તાડધ્વજ’ નામનો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથને ચાર કાળા રંગના ઘોડાઓ (ટિબ્રા, ઘોરા, દીર્ઘશર્મા તથા સ્વર્ણાવમાતલી) જોડવામાં આવશે. સ્વર્ગમાંથી આવેલા દેવરાજ ઈન્દ્રના સેવક ‘માતલી’ આ રથના સારથી છે. કાળા તથા લાલ રંગના શિખર વાળો શ્રી સુભદ્રાજીનો ‘દર્પદલન’ નામનો બીજો રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથને કથ્થાઈ રંગના ચાર ઘોડાઓ (રોચિકા, મોચિકા, જીતા અને અપરાજિતા) જોડવામાં આવ્યા હતા.


    જેમાં સુભદ્રાજીના પતિ તથા ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય સખા ‘અર્જુન’ આ રથના સારથી છે. સુભદ્રાજીની રક્ષા માટે ભગવાન શ્રી જગન્નાથજીનું સુદર્શન ચક્ર પણ આ જ રથમાં બિરાજમાન થયા હતા. ત્યાર પછી પીળા અને લાલ રંગના શિખર વાળો ‘નંદીઘોષ’ નામનો ત્રીજો અને અંતિમ રથ મહાપ્રભુ શ્રી જગન્નાથજી માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ રથને ચાર શ્વેત ઘોડાઓ (શંખ, બાલાહાકા, શ્વેતા અને હરિદાશ્વ) જોડવામાં આવશે. આ રથનો સારથી ‘દારુક’ છે. રોબોરથમાં રસ્સી ન હોવાથી, રોબો રથના બ્લુતુથ વડે સંચાલિત ત્રણ રીમોટ કંટ્રોલના નામ પુરીના રથોની રસ્સીઓના નામ પરથી અનુક્રમે વાસુકી, સ્વર્ણચૂડા તથા શંખચૂડા રાખવમાં આવ્યા છે.


    રથયાત્રાના પ્રારંભ તથા સમાપન સમયે આરતી કરવામાં આવી. તથા રથયાત્રા દરમિયાન પ્રભુ સન્મુખ નૃત્ય, કિર્તન તથા પુષ્પવૃષ્ટિ થઈ. રથયાત્રાની પૂર્ણાહુતિએ પ્રસાદ વિતરણ પછી ત્રણે રથોની પ્રદક્ષિણા કરવાનો પણ સર્વે ભાવિક ભક્તોને લાભ લીધો.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.