Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    10-15 સેકન્ડ માટે તો આંખે અંધારૂ છવાઇ ગયું બાદમાં જ્યારે ભાન આવ્યું ત્યારે સામે તુટેલો બ્રિજ અને ઊંડી નદી દેખાઇ

    પલક ઝપકતા બે સેકેન્ડ ધડકાભેર બ્રિજ તૂટી પડ્યો અને નજર સામે વાહન ટપોટપ નદીમાં પડ્યાં હતા.

    Updated : July 18, 2025 04:59 pm IST

    Jitendrasingh rajput
    10-15 સેકન્ડ માટે તો આંખે અંધારૂ છવાઇ ગયું બાદમાં જ્યારે ભાન આવ્યું ત્યારે સામે તુટેલો બ્રિજ અને ઊંડી નદી દેખાઇ

    9જૂલાઇની સવાર આખા રાજ્ય માટે કાળો દિવસ સાબીત થઇ છે. મુજપુર-ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 20 લોકોના મૃતદેહ મળ્યા છે. હજી પણ એક યુવકનો મૃતદેહ મળ્યો નથી, ત્યારે આ ભયાનક દુર્ઘટનામાં બ્રિજ પર અધવચ્ચે લટકી રહેલા ટેન્કરના ડ્રાઇવરે તે દિવસ શું બન્યું હતુ અને તેણે નજરે જે ભયાવહ દ્રશ્યો જોયા તે વિષે વાત કરી છે.


    મુજપુર-ગંભીરા બ્રિજ પર લટકી રહેલા ટેન્કર ચાલકનો દુર્ઘટનામાં ચમત્કારી બચાવ થયો છે. મુળ ઉત્તર પ્રદેશના જોનપુર ખાતે રહેતા અને હાલ અંકલેશ્વર સ્થિત શિવમ રોડલાઇન્સમાં ડ્રાઇવર તરીકે કામ કરતા રવિન્દ્ર કુમારે આજે યુગ અભિયાન ટાઈમ્સ સાથે ઘટનાના 10માં દિવસે વાતચિત કરતા જણાવ્યું હતુ કે, હું અંદાજીત 15 વર્ષથી ટ્રક ડ્રાઇવીંગનું કામ કરૂં છું. ગંભીરા બ્રિજ પરથી મહિનામાં ચારથી પાંચ વખત પસાર ટેન્કર લઇને પસાર થઉં છું.


    7જૂલાઇના રોજ દહેજથી અમદાવાદ માલ ખાલી કરવા માટે એકલો નિકળ્યો હતો. અમદાવાદ માલ ખાલી કરાવી 9 જૂલાઇની સવારે નિકળ્યો અને આશરે સાડા સાત વાગ્યાની આસપાસ હું ખાલી ટેન્કર લઇ ગંભીર બ્રિજ પર પહોંચ્યો હતો. બ્રિજ પર સામાન્ય ટ્રાફિક હોય છે, એ દિવસ પણ ટ્રાફિક હતો. હું પાંચ મિનીટ જેટલો સમય ટ્રાફિકમાં ઉભો રહ્યો, જેમ જેમ ટ્રાફિક હળવો થતો ટેન્કર આગળ વધી રહ્યું હતુ. પરંતુ અચાનક ટ્રાફિક વધતા ટેન્કર ફસાયું હતુ. મારી સામેની સાઇડનો ટ્રાફિક એકદમ ધીમી ગતીએ ચાલી રહ્યો હતો. પણ મારી આગળ એક ટ્રક હતી બાજુમાં પણ ટ્રક હતી.


    બ્રિજ પર ટ્રાફિક જામ હતો અને વિચાર્યું પણ ન હતું તેવું પલક ઝપકતા બે સેકેન્ડ ધડકાભેર બ્રિજ તૂટી પડ્યો અને નજર સામે વાહન ટપોટપ નદીમાં પડ્યાં હતા. મારી બાજુમાં રહેલી ટ્રક મારી ટેન્કરને અથાડી નિચે નદીમાં પડી હતી. 10-15 સેકન્ડ માટે તો આંખે અંધારૂ છવાઇ ગયું બાદમાં જ્યારે ભાન આવ્યું ત્યારે સામે તુટેલો બ્રિજ અને ઊંડી નદી દેખાઇ રહીં હતી. મોતના મુખમાંથી બહાર નિકળવા માટે ટેન્કરની હેન્ડ બ્રેક મારી દરવાજો ખુલ્યો અને હેમખેમ બહાર નિકળ્યો હતો.


    આણંદ તરફના બ્રિજ પર ચાલતો નિકળ્યો મેં મદદ માટે લોકો પાસે મોબાઇલ માંગ્યો પણ બધા વિડિયો લેવામાં વ્યસ્ત હતા. તેવામાં ગામના એક વ્યક્તિએ મને એક મિનિટ માટે મોબાઇલ આપ્યો અને મેં પહેલો ફોન મારા શેઠ રામાશંકરને કર્યો અને કહ્યું “સાહબ મેં બચ ગયું હું ઐર ઠીક હું, પર ટ્રક ફસી હૈં” ત્યારે શેઠે કહ્યું તું બચ ગયા મેરે લીયે વહીં મહત્વ રખતા હૈં”. ત્યારબાદ આશરે અડધો કલાક પછી હું એક વ્યક્તિની મદદથી ટેન્કરની અંદર પાછો પહોંચ્યો, ત્યાં સુધી ટેન્કર ચાલું હતું. જેમ તેમ ટેન્કરમાં પહોંચી મોબાઇલ લઇ પાછો બહાર આવ્યો હતો. ત્યારબાદ મેં મારી પત્નીને ફોન કરી જાણ કરી, ત્યારે તેને રડતા રડતા કહ્યું અપના ધ્યાન રખના... આ દુર્ઘટનાને આજે 10 દિવસ થઇ ચુંક્યા છે, હજી પણ એ ભયાવહ દ્રશ્યો નજર સામેથી જતા નથી. વર્ષોથી ટ્રક ડ્રાઇવીંગ કરૂં છું અનેક અકસ્માતો જોયા પણ આવી દુર્ઘટના ક્યારેય નથી જોઇ. મારી તંત્રને વિનંતી છે કે, વહેલી તકે અમારી ટેન્કર ત્યાંથી કાઢી આપે, કારણ કે, ટેન્કર ચાલશે તો મારૂ અને મારા પરિવારનું ગુજરાન ચાલશે. હું મારા શેઠ સાથે આણંદ, વડોદરા અને પાદરા મામલતદાર પાસે ટેન્કર કાઢી આપવાની રજૂઆત કરવા પહોંચ્યો પરંતુ કોઇ સંતોષકારક જવાબ આપતું નથી, બધા એક બીજા ઉપર ઢોળી રહ્યાં છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.