Monday, October 6, 2025 11:37 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    ભરૂચમાં ફાટેલો તિરંગો, ઝાંખો પડેલો રંગ: હવે તો રાષ્ટ્રધ્વજની સાચી ગરિમા જાળવો

    ભરૂચમાં ફાટેલો તિરંગો, ઝાંખો પડેલો રંગ: હવે તો રાષ્ટ્રધ્વજની સાચી ગરિમા જાળવો

    Updated : August 21, 2025 05:23 pm IST

    Jitendrasingh rajput
    ભરૂચમાં ફાટેલો તિરંગો, ઝાંખો પડેલો રંગ: હવે તો રાષ્ટ્રધ્વજની સાચી ગરિમા જાળવો

    ભરૂચ શહેરના રેલવે સ્ટેશન પર 14 ઓગસ્ટે લગાવવામાં આવેલ હાઈમાસ્ટ પોલ પરનો રાષ્ટ્રધ્વજ માત્ર સાત દિવસમાં જ ફાટી ગયો હતો. કેસરી રંગ ઝાંખો બની સફેદમાં ભળી ગયો હતો. તિરંગો માત્ર કાપડનો ટુકડો નથી, તે આપણા સ્વાતંત્ર્યનું પ્રતિક, દેશની આન, બાન અને શાન છે. રાષ્ટ્રધ્વજ લગાવવા માટે નક્કી કરાયેલા નિયમો છે, જેનું પાલન દરેક સંસ્થાએ કરવું ફરજિયાત છે.


    ભૂતકાળમાં આવા નિયમોના ઉલ્લંઘનને રાષ્ટ્રદ્રોહ ગણવામાં આવતો હતો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં નિયમોમાં થયેલા ફેરફાર ને કારણે તિરંગાની ગરિમા સતત ખૂટતી જાય છે. દુઃખની વાત એ છે કે, હવે તિરંગાનો ઉપયોગ રાજકીય પ્રચાર માટે થવા લાગ્યો છે અને તેનો સન્માન યથાર્થ રીતે જાળવાતો નથી. ભરૂચ રેલવે સ્ટેશનની આ ઘટનાની જાણ થતાં જ જાગૃત નાગરિકોએ સ્ટેશન માસ્ટર તથા RPF અધિકારીઓનું ધ્યાન દોર્યું અને રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો. આવો જ બનાવ અગાઉ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર વારંવાર બનતો હતો, જ્યાં જાગૃત નાગરિક ધવલભાઈ કનોજીયાના પ્રયાસોથી હવે માત્ર 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવે છે અને પછી સન્માનપૂર્વક ઉતારી લેવામાં આવે છે.


    ભરૂચના નાગરિકો, આગેવાનો અને સમાજસેવકોનું કેન્દ્ર સરકાર, રેલવે વિભાગ અને સ્થાનિક તંત્રને સ્પષ્ટ સંદેશ છે: મોટા હાઈમાસ્ટ પર લગાડવામાં આવતા તિરંગાને 24 કલાક, 365 દિવસ ફરકાવવાને બદલે, માત્ર રાષ્ટ્રીય પર્વો 15 ઑગસ્ટ અને 26 જાન્યુઆરીએ જ ફરકાવવામાં આવે. સમયસર ધ્વજને સન્માનપૂર્વક ઉતારવામાં આવે, જેથી તે ફાટવાથી કે રંગ ઝાંખો થવાથી રાષ્ટ્રધ્વજનો અપમાન ન થાય.


    રાષ્ટ્રધ્વજ આપણા સ્વાભિમાનનું પ્રતિક છે. તેના સન્માન માટે માત્ર સરકાર કે તંત્ર જ નહીં, દરેક નાગરિકની જવાબદારી છે કે તેની ગરિમા જળવાઈ રહે. તિરંગાની સાચી ઇજ્જત એમાં નથી કે તે વર્ષભર ફરકતો રહે, પરંતુ એમાં છે કે તે યોગ્ય સમયે યોગ્ય રીતે ફરકાવવામાં આવે અને તેને સન્માનપૂર્વક જાળવવામાં આવે. ચાલો, દેશપ્રેમને દેખાવ માટે નહીં, પરંતુ દિલથી જીવીએ. તિરંગાની ગરિમા જાળવીને રાષ્ટ્રપ્રેમનું સાચું ઉદાહરણ પ્રસ્તુત કરીએ.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.