Saturday, January 17, 2026 7:00 AM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    આમોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ,નાગરિકોના જીવ જોખમમાં

    આમોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ,નાગરિકોના જીવ જોખમમાં.

    Updated : August 24, 2025 06:31 pm IST

    Jitendrasingh rajput
    આમોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ,નાગરિકોના જીવ જોખમમાં

    આમોદ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. અગાઉ અનેકવાર મીડિયા દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા હતા, નગરજનો દ્વારા મુખ્ય અધિકારીને મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી, છતાં પણ નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતાના એ.સી. ચેમ્બરમાંથી બહાર આવવાનું ગૌરવ નથી માનતા.પરિણામે શહેરના નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.


    તાજેતરમાં શહેરના બગાસીયા ચોળા વિસ્તારમાં પેરાલિસિસ પીડિત નાગરિક મુકેશભાઈ દરજીને રખડતા ગાયે માથા અને પગના ભાગે ગંભીર ભેટી મારી દીધી. જો સ્થાનિક લોકોએ ધસી જઈને તેમને બચાવ્યા ન હોત તો દુર્ઘટના જીવલેણ સાબિત થઈ હોત. હાલ તેઓ સારવાર હેઠળ છે. વિશેષ વાત એ છે કે, આમોદ નગરપાલિકાએ રખડતા ઢોર પકડવા માટે કોઈ જ સુવિધા ઉભી નથી કરી, છતાં ₹4 લાખના ખર્ચે ઢોર ડબ્બાનું રીપેરિંગ કર્યું છે. તેમ છતાં પણ શહેરના માર્ગો પર ગાયો અને બળદો ખુલ્લેઆમ દોડતા રહે છે અને નાગરિકોના જીવને જોખમમાં મૂકે છે. સાંજના સમયે તો પરિસ્થિતિ વધુ ગંભીર બને છે.


    કેટલાક પશુપાલકો પોતાની ગાયો બજારમાં છોડી દે છે અને દૂધ કાઢવાના સમયે બાઇક લઈને આવી તેમને ઘરે હંકારી લઈ જાય છે. આ દરમિયાન શાકભાજીની લારીઓ, ફ્રૂટ વેચનારાઓ તેમજ ખરીદી માટે આવેલી મહિલાઓને વારંવાર આ ઢોર હેરાન કરે છે. અનેકવાર મહિલાઓના હાથમાંથી શાકભાજી ભરેલી થેલી ઝૂંટવાઈ જાય છે, જ્યારે નાના બાળકો જીવના જોખમે રસ્તો પાર કરે છે. નગરજનોનો આક્ષેપ છે કે, નગરપાલિકા આ મુદ્દે સંપૂર્ણ કુંભકર્ણ નિંદ્રામાં છે. હવે પ્રશ્ન એ છે કે, શું નગરપાલિકા કોઈ જીવ ગયાં બાદ જ જાગશે? નગરજનો તાત્કાલિક કાર્યવાહી અને રખડતા ઢોરોને પાંજરે પૂરવા માટે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. જો તંત્ર તુરંત જાગૃત નહીં બને, તો નગરજનો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી રહ્યા છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2026 Yug Abhiyaan Times. All Rights Reserved.