Monday, August 18, 2025 9:06 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    સતયુગમાં વેદ વ્યાસે સ્થાપેલું શિવાલય એટલે શ્રી વ્યાસેશ્વર મંદિર.

    સો વર્ષ કરતા પણ વધુ સમયથી પ્રજ્જવલિત છે અખંડ દીપ...

    Updated : August 04, 2025 04:52 pm IST

    Sushil pardeshi
    સતયુગમાં વેદ વ્યાસે સ્થાપેલું શિવાલય એટલે શ્રી વ્યાસેશ્વર મંદિર.

    શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું પ્રતિક જ નહિ, પણ એક દિવ્ય ઐતિહાસિક વારસો...
    વડોદરા નજીક દેણા ગામની પાવન ધરતી પર આવેલું શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર માત્ર આસ્થાનું પ્રતિક જ નહિ, પણ એક દિવ્ય ઐતિહાસિક વારસો પણ છે. લોક માન્યતા અનુસાર આ મંદિરની સ્થાપના સતયુગ દરમ્યાન થઈ હતી, જ્યારે વૈદિક સમયગાળામાં મહર્ષિ વેદ વ્યાસજી અહીં તપશ્ચર્યામાં લીન થયા હતા. વિશ્વામિત્રી નદીના તટે તેમને શિવલિંગની સ્થાપના કરી અને શ્રી વ્યાસેશ્વર મહાદેવ તરીકે આ સ્થાનનો જન્મ થયો. કાળક્રમે મંદિરનું બાંધકામ પરિવર્તિત થતું ગયું છે, તેમ છતાં અહીંની આસ્થાનું સ્તંભ હજી અડગ છે.


    સો વર્ષ કરતા પણ વધુ સમયથી પ્રજ્જવલિત છે અખંડ દીપ...
    દેણા ગામ સાથે જોડાયેલા આસપાસના સોખડા, દશરથ, આસોજ, સમલાયા, ઇન્દ્રાડ, જરોદ, શુભેલાવ, આજોડ, બાજવા અને છાણી જેવા ગામોના ભાવિકો દર વર્ષે વ્યતિપાત તિથિ નિમિત્તે સમૂહભોજન કરે છે. તેઓ થાળમાં લાડુ, શાક, ચણા અને દાળભાત ધરાવે છે. જે એક સૈકાઓ જૂની પરંપરા રૂપે આજે પણ ચાલુ છે. વિશેષ વાત એ છે કે ઇન્દ્રાડ ગામના શ્રી મહેશભાઈ ચંદુભાઈ પંડ્યાના ઘરમાં શ્રી વ્યાસેશ્વર ભગવાનનો અખંડ દીવો છેલ્લા 100 વર્ષથી વધુ સમયથી પ્રજ્વલિત છે, જે ભાવિકતા અને ભક્તિની જીવતી નિશાની છે.



    દેણા ગામ: રાજા હરિશ્ચંદ્રના ત્યાગ અને ઋષિઓના તપથી જોડાયેલી પ્રાચીન કથા..
    વડોદરા જિલ્લાના દેણા ગામ માત્ર ભૂગોળિક દ્રષ્ટિએ જ મહત્વપૂર્ણ નથી, પણ તેની પાછળ એક અનન્ય પૌરાણિક કથા પણ છે, જે વશિષ્ટ અને વિશ્વામિત્ર ઋષિ, તથા દાનવીર રાજા હરિશ્ચંદ્ર સાથે જોડાયેલી છે. કથાનુસાર, એક સમયે વશિષ્ટ ઋષિ અને વિશ્વામિત્ર ઋષિ વચ્ચે વિવાદ સર્જાયો. રાજા હરિશ્ચંદ્ર વશિષ્ટ ઋષિના અનુયાયી હોવાથી, વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્રની પરિક્ષા લેવાનો નક્કી કર્યો. તેઓએ દેણા ગામની સીમમાં આવેલ શ્રી વ્યાસેશ્વર મહાદેવ મંદિર પાસે એક આભાસી આશ્રમ સર્જ્યો અને રાજાને ત્યાં બોલાવ્યા. વિશ્વામિત્રે રાજા હરિશ્ચંદ્ર પાસેથી માલમિલ્કત અને રાજપાટ દાનમાં માગ્યા, જે રાજાએ ક્ષણ પણ વિલંબ કર્યા વિના આપી દીધાં. પરંતુ ત્યારબાદ ઋષિએ દક્ષિણા પણ માંગતાં કહ્યું કે, “તમારી જાતને વેચીને પણ લ્હેણું ચૂકવો.” રાજાએ પોતાને વેચી દઈને ઋષિનું લ્હેણું ચૂકવ્યું. એવી માન્યતા છે કે આ કારણે ગામનું નામ "લ્હેણા" પડ્યું હતું, જે કાળક્રમે અપભ્રંશ થઈ "દેણા" થયું.



    આ કથા દેણા ગામના પૌરાણિક વૈભવને ઉજાગર કરે છે અને ભક્તિ, તપ અને ત્યાગના ત્રિવેણી સંગમ તરીકે આ પવિત્ર ભૂમિને વિશિષ્ટ બનાવે છે. જયારે આ મંદિર માત્ર ભક્તો માટે નમનાર્થ સ્થળ નથી, પરંતુ એક જીવન્ત વારસો છે, જે સતયુગથી આજના યુગ સુધી ભક્તિ અને શ્રદ્ધાનું પ્રકાશ પ્રસારતું આવ્યું છે.

    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.