Monday, August 18, 2025 9:14 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    આમોદમાં નવજાત બાળકી ત્યાગ કેસનો ભેદ ઉકેલાયો,

    સગીરાનો બનેવી જ દુષ્કર્મી, પોસ્કો હેઠળ ધરપકડ

    Updated : August 08, 2025 04:20 pm IST

    Sushil pardeshi
    આમોદમાં નવજાત બાળકી ત્યાગ કેસનો ભેદ ઉકેલાયો,

    વિરલ ગોહિલ, ભરૂચ

    આમોદના દરબારગઢ વિસ્તારમાં થોડા દિવસ પહેલા મળેલી તાજુ જન્મેલી નવજાત બાળકીના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આમોદ પોલીસે ઝડપી ગતિએ તપાસ હાથ ધરી હતી, પોલીસે સીસીટીવી કેમેરા અને ગુપ્ત માહિતીના આધારે આખો ભેદ ઉકેલી નાખ્યો છે.

    ઘટના કેવી રીતે બની?
    કેટલાક દિવસ પહેલા દરબારગઢ વિસ્તારમાં તાજુ જન્મેલું એક નવજાત બાળકી ત્યજી દેવાયેલ હાલતમાં મળી આવી હતી. આ દ્રશ્યે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા, આમોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ. બાળકીની સ્થિતિ જોઈ તરત જ તબીબી સારવાર માટે ખસેડવામાં આવી અને તેને સુરક્ષિત રાખવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ આમોદ પોલીસની ટીમ એકશનમાં આવી હતી. પોલીસની વિશેષ ટીમ બનાવી સમગ્ર ઘટનાની ઘનિષ્ઠ તપાસ શરૂ કરી હતી. આસપાસના સીસીટીવી કેમેરા ચકાસવામાં આવ્યા, સ્થાનિક સ્તરે પુછપરછ કરવામાં આવી અને કડી કડી જોડતાં પોલીસે આખરે આ ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

    પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો..
    પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, બાળકી કોઈ સામાન્ય કૌટુંબિક સમસ્યાનો પરિણામ નહોતી, પરંતુ આ કેસ પાછળ ગંભીર ગુન્હો છુપાયેલો હતો. આરોપી, જે પોતે સગીર પીડિતાનો બનેવી છે, તેણે લાંબા સમયથી સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જેના પરિણામે સગીરા સગર્ભા બની હતી. ગર્ભાવસ્થા દરમિયાન પાપ બહાર આવી ન જાય તે માટે પરિવાર તરફથી કોઈ પગલું લેવામાં આવ્યું નહોતું. જ્યારે બાળકીનો જન્મ થયો, ત્યારે સમગ્ર ઘટના છુપાવવા માટે આરોપીએ અને સંકળાયેલા લોકોએ નવજાત બાળકીનો ત્યાગ કરી દીધો. તેને દરબારગઢ વિસ્તારમાં એકાંત જગ્યાએ મૂકી દેવામાં આવી, જેથી કોઈને શંકા ન જાય.

    પોલીસની કામગીરી
    પોલીસે પૂરાવા, મેડિકલ રિપોર્ટ અને સગીરાના નિવેદનોના આધારે આરોપી બનેવી સામે ગુનો નોંધ્યો હતો. પોક્સો (POCSO) અધિનિયમ અને સંબંધિત કાનૂની કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી, તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયો છે.વધુમાં, ઘટનામાં કોઈ અન્ય લોકોની સંડોવણી છે કે નહીં તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

    આ ઘટના સમાજ માટે ચેતવણીરૂપ છે કે કૌટુંબિક સગાઓ દ્વારા કરવામાં આવતા આવા ગુનાઓને સમયસર ઓળખીને રોકવા માટે સમાજ અને પરિવાર બંનેને સતર્ક રહેવું પડશે. સગીરાઓના હક્ક અને સુરક્ષા માટે પોસ્કો કાયદો એક કડક હથિયાર છે, પરંતુ તેનો અસરકારક ઉપયોગ ત્યારે જ થશે જ્યારે પીડિતાઓને સમયસર સહારો અને ન્યાય મળશે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.