Monday, August 18, 2025 9:13 PM
logo

યુગ અભિયાન ટાઇમ્સ

ઈ-પેપર

    વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમા પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટનો જોરદાર વિરોધ

    ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી ના ભાજપ પર આકરા પ્રહારો

    Updated : August 09, 2025 05:34 pm IST

    Sushil pardeshi
    વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમા પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટનો જોરદાર વિરોધ

    વિરલ ગોહિલ, ભરૂચ


    ભરૂચના નેત્રંગમાં ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીની હાજરી


    વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં ભાજપ પર આકરા પ્રહારો,


    પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટનો જોરદાર વિરોધ



    ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે બિરસા બ્રિગેડ સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શાનદાર રીતે યોજાઈ હતી આ કાર્યક્રમમાં ગુજરાતના રાજકારણના બે દિગ્ગજ આગેવાનો કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અને વિધાનસભામાં વિપક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણીની શરૂઆતમાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. આગેવાનો પરંપરાગત આદિવાસી પાઘડી ધારણ કરી મંચ પર પહોંચ્યા હતા. લોકસંસ્કૃતિ અને એકતાનો સંદેશ આપતા તેઓ આદિવાસી યુવાનો સાથે નૃત્યમાં પણ જોડાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં આદિવાસી પુરુષો, મહિલાઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર સ્થળ પર સાંસ્કૃતિક રંગત અને ઉત્સાહ છવાયો હતો.




    કાર્યક્રમ દરમિયાન આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે, "ભાજપે જે મત મેળવ્યા છે તે છેતરપીંડીથી મેળવ્યા છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ સત્યને વિશ્વ સમક્ષ સ્પષ્ટ કર્યો છે. હવે પરિવર્તનનો પવન ફૂંકાઈ રહ્યો છે અને પ્રજાએ સરકાર સામે અવાજ ઉઠાવવાની જરૂર છે."



    ડૉ. તુષાર ચૌધરીએ ખાસ કરીને પાર-તાપી-નર્મદા લીંક પ્રોજેક્ટનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે કહ્યું કે, "આ યોજનાથી હજારો આદિવાસીઓ તેમના વતનમાંથી વિસ્થાપિત થશે, જંગલ અને જમીન ગુમાવશે. આદિવાસી હકો અને સંસ્કૃતિ પર આ ઘાતક હુમલો છે, જે અસ્વીકાર્ય છે. આ યોજનાનો દરેક સ્તરે કડક વિરોધ કરવામાં આવશે."


    આ ઉપરાંત આગેવાનો દ્વારા આદિવાસી સમુદાયને સંવિધાનમાં મળેલા અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના પ્રશ્નો પર પણ ચર્ચા થઈ હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને યુવાનોને સંઘઠિત રહીને પોતાના હકો માટે લડવાની અપીલ કરી છે. બિરસા બ્રિગેડના નેતાઓએ જણાવ્યું કે વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી, પણ આદિવાસીઓના હક, ગૌરવ અને અસ્તિત્વની લડતને યાદ કરવાનો દિવસ છે.


    Track Latest News live on YugAbhiyaanTimes.com and get updates from Gujarat, National and around the World
    Follow us:
    Copyright © 2025 Yug Abhiyaan Times. All Rights Reserved.